આજે વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગીOctober 11, 2018

હૈદરાબાદ તા,11
વેસ્ટ ઈન્ડિઝ સામે વર્તમાનમાં ઘરઆંગણે રમાઈ રહેલી શ્રેણીના મર્યાદિત ઓવરની મેચોના તબક્કા માટે ભારતની વન-ડે ટીમની પસંદગી કરવા અહીં ગુરુવારે યોજાનારી બેઠકમાં મહેન્દ્રસિંહ ધોનીના હાલમાં નબળા બેટિંગ ફોર્મના કારણે રિષભ પંતનો ટીમમાં સમાવેશ કરવાની રાષ્ટ્રીય સિલેક્ટરોને ફરજ પડી શકે છે.
ફક્ત પહેલી ત્રણ વન-ડે અથવા બધી મેચ માટે પસંદગી કરાશે તે હજી જાણવા મળ્યું ન હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે ટેસ્ટ મેચ બાદ, 21મી ઑક્ટોબરથી પાંચ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમનાર છે.
કેપ્ટન વિરાટ કોહલીના માનસિક અને શારીરિક બોજ વિશે પણ બેઠકમાં ચર્ચા થશે, પણ સમગ્ર શ્રેણીમાંથી તેને આરામ આપવાની શક્યતા ઓછી છે. મુખ્ય મુદ્દો ધોનીની બદલીના સંભવિત ખેલાડીનો હશે કે જે માટે સિલેક્ટરો અને ટીમના સત્તાધીશોએ સંમતિ મેળવવાની રહે છે. ધોનીની બેટિંગની તાજેતરના સમયમાં પડતી જોવા મળી છે.