પુરુષ, પ્રકૃતિ અને ઈશ્વર

આ બ્રહ્માંડ બે ભાગમાં વહેંચાયેલું છે - પુરુષ અને પ્રકૃતિ. લોકભાષામાં, સ્ત્રી અને પુરુષ. પુરુષ એટલે કે વૈશ્ર્વિક ચેતના અને પ્રકૃતિ એટલે અખિલ સર્જનાત્મક શક્તિ. ચૈતન્ય થકી સર્જન થાય, અને જયારે સમગ્ર સર્જનાત્મક શક્તિ પોતાની ચરમ સીમાએ પહોંચી શકે ત્યારે બોધનાવસ્થાનું પ્રગટીકરણ થાય.
સાદી ભાષામાં, સ્ત્રી અને પુરુષ એકબીજાં સાથે રહેવાં, એક બીજાને વિકાસના પંથે લઇ જવાં અને એક બીજાંના પૂરક બનવાં ઘડાયાં છે. સ્ત્રી સર્જનાત્મક અને ભાવ પ્રધાન છે; તો પુરુષ ચેતન અને ભૌતિક પ્રધાન છે. શારીરિક બળથી ભરપૂર પુરુષે શિકાર જ કરવાનો હતો; અને લાગણી બળથી છલોછલ સ્ત્રી બાળઉછેર કરવા સમર્થ હતી. કોઈ કામ ચડિયાતું કે ઉતારતું ક્યાં હતું? આ તો ઓપ્ટિમાઇઝેશન - જેની પર આજની આખી દુનિયા ચાલે છે - એની વાત હતી. વિશ્ર્વનું સંતુલન જળવાઈ રહે અને અંતરાય વગર આ કાળચક્ર ચાલતું રહે, તે માટે ઘડાયેલો સહેલામાં સહેલો રસ્તો!
પણ આપણે બધાં તો છેવટે આદમ અને ઈવ જેવાં! આ ચક્રમાં ક્યાંક શિકારને પ્રાધાન્ય અપાઈ ગયું. બાળઉછેરને સામાન્ય કાર્ય તરીકે ગણાવ્યું. શારીરિક બળને માનસિક શક્તિથી ચડિયાતું ગણી લીધું. એક એવી દુનિયા રચી જ્યાં શક્તિને તાંત્રિક કહી સળગાવી દીધી. આ દુનિયામાં પુરુષને સૂર્યનો દરજ્જો આપી એની પૂજા-અર્ચના થઈ અને સ્ત્રીને ધરતીની જેમ આપણે હણતાં જ ગયાં!
પણ પછી બળવો ફાટ્યો. સ્ત્રીએ સમાનતાની માંગણી કરી, હકની માંગણી કરી અને આદર માટે રાજદ્રોહ કર્યો! ‘ફેમિનિઝમ’નું સર્જન થયું. અને એમાંને એમાં આ સૃષ્ટિનું સત્વ વિખરાઈ ગયું.
સ્ત્રીએ ઘણી માંગણી કરી. પણ એમાં એ ભૂલી ગઈ કે એ શું માંગે છે. આદર તો માંગી લીધો, પણ બાળઉછેરને પ્રાધાન્ય આપીને નહિ, પુરુષની જેમ વર્તીને. પુરુષની સરખામણી કરવાંમાં પોતાનાં અસ્તિત્ત્વને ઓગળતી ગઈ. એ ક્યાંની સમાનતા?
ખરી સમાનતા ત્યારે આવશે જયારે સ્ત્રી પોતાનાં અસ્તિત્વને પિછાનશે. પુરુષ પાસે આદરની માંગણી કરતાં પહેલા સ્ત્રી પોતાની શક્તિને જાણશે અને માણશે ત્યારે જ ખરું સંતુલન જળવાશે. વાત કોણ ચડિયાતું કે કોણ ઉતારતું છે એની છે જ નહિ. વાત તો કોણ કયું કામ વધારે સારી રીતે કરી શકે છે તેની છે. પુરુષ અને પ્રકૃતિ - બંને પોતપોતાની રીતે સક્ષમ છે, છતાંયે બંને એક બીજાં વગર અધૂરાં જ છે.
આ નોરતામાં શક્તિની જયારે આરાધના થાય છે ત્યારે આપણાં દરેકની અંદર વસેલી એ શક્તિને નમન કરીએ. સ્ત્રી અને પુરુષના ભેદથી ઉપર ઉઠી શક્તિ અને ચૈતન્ય બની જીવનના પ્રયોજનની પૂર્ણાવતી તરફ એક પગલું ભરીયે. આ નવરાત્રીમાં આપણાં આંતરીય પુરુષપ્રકૃતિને એક કરી આપણાં ઈશ્ર્વરને પામી જઈએ!