ફેસબુક યૂઝર્સે ઇન્ટરનેટ પર મોટાપાયે ચાલી રહેલા આ સ્કેમ અંગે જાણવું છે જરૂરીOctober 10, 2018

ફેસબુકના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, હાલમાં યૂઝર્સ સાથે છેતરપિંડી કરતો એક મેસેજ વાઇરલ થયો છે. આ મેસેજ વાંચ્યા પછી યૂઝર્સને એવું લાગશે કે તેમના એકાઉન્ટ સાથે કોઇ પ્રોબ્લેમ છે. આ ફેક મેસેજમાં એવો દાવો કરવામાં આવે છે કે, તમારા એકાઉન્ટને ક્લોન કરવામાં આવ્યું છે. ક્લોન અર્થાત તમારા જ નામ, ફોટો તથા અન્ય ઇન્ફર્મેશનનો યૂઝ કરીને નવું ફેસબુક એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે, તમે આ મેસેજને તમારા અન્ય ફેસબુક ફ્રેન્ડ્સ સાથે શેર કરો જેથી તેઓ તમારા નામના ડુપ્લિકેટ/ફેક એકાઉન્ટથી સાવધ રહે.
છેતરપિંડી કરતાં મેસેજમાં લખ્યું હોય છે કે, હાઇ... ગઇકાલે મને તમારા તરફથી અન્ય ફ્રન્ડ રિક્વેસ્ટ મળી હતી... જેને મેં ઇગ્નોર કરી હતી, તમારે કદાચ કંઇ ચેક કરવાની જરૂર લાગે છે. તમારા અન્ય ફેસબુક ફ્રન્ડ ક્લોન એકાઉન્ટથી ન છેતરાય તેના માટે આ મેસેજ પર ક્લિક કરી રાખો થોડીવારમાં ફોરવર્ડ બટન આવશે, તેના પર ક્લિક કરો અને તમારા ફ્રેન્ડ્સને આ અંગે જણાવો.
ફેસબુક ક્લોનિંગ એટલે, કોઇ વ્યક્તિ તમારા ફોટો અને પર્સનલ ઇન્ફર્મેશન ચોરી કરીને તમારા જ નામનું બીજું એકાઉન્ટ બનાવે છે. બાદ તે વ્યક્તિ ક્લોન એકાઉન્ટમાંથી તમારા અન્ય મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલશે અને તમારા અંગે વધુ માહિતી એકત્ર કરશે. તે સિવાય ક્લોન એકાઉન્ટમાંથી સ્કેમ મેસેજને વધુ લોકોને ફોરવર્ડ કરે છે. ઘણીવાર આવા મેસેજ સાથે વાઇરસ હોય છે અને તમારું એકાઉન્ટ હેક થતું હોય છે. તે સિવાય ક્લોન એકાઉન્ટ બનાવી તમારી પર્સનલ માહિતીની ચોરી પણ થતી હોય છે.
ફેસબુક અનુસાર, આ મેસેજની સાથે કોઇ વાઇરસ એટેચ નથી, પરંતુ યૂઝર્સને સલાહ છે કે તેમને આવો મેસેજ મળે તો તેને ડિલીટ કરે. આ પ્રકારનો મેસેજ ચેઇન મેઇલના સ્વરૂપે લોકોને મોકલવામાં આવી રહ્યો છે.
જો તમને એવું લાગે કે તમે ક્લોનિંગના ભોગ બન્યા છો તો તમે સર્ચ કરીને ચેક કરો કે તમારા નામનું ડુપ્લિકેટ એકાઉન્ટ છે કે નહીં? જો તમને એવું એકાઉન્ટ દેખાય તો ફેસબુકના રિપોર્ટ ફીચર દ્વારા ક્લોન એકાઉન્ટ અંગે ફરિયાદ નોંધાવી શકશો.