ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપર વાવાઝોડાનો ભય

100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ
ભુવનેશ્ર્વર: ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં બુધવારે અને ગુરુવારે તિતલી નામના વાવાઝોડાની સાથે ભારે કે અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. બંગાળના ઉપસાગરમાંથી વાવાઝોડું તિતલી વાયવ્ય દિશામાં આગળ વધી રહ્યું છે અને તેની ગતિમાં પણ વધારો થઇ રહ્યો છે. તિતલી વાવાઝોડું મંગળવારે ઓડિશાના ગોપાલપુરથી અગ્નિમાં અંદાજે 530 કિલોમીટર દૂર અને આંધ્ર પ્રદેશના કલિંગપટણમથી નૈર્ઋત્યમાં 480 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું હતું. એચ. આર. બિશ્ર્વાસે જણાવ્યું હતું કે વાવાઝોડાનું જોર આગામી 24 કલાકમાં વધવાની શક્યતા છે. વાવાઝોડું ગોપાલપુર અને કલિંગપટણમની વચ્ચે 11મી ઑક્ટોબરે સવારે ત્રાટકવાની સંભાવના છે. બાદમાં, વાવાઝોડું ઇશાનમાં વળાંક લઇને પશ્ર્ચિમ બંગાળના ગંગાના ઘાટના વિસ્તારો અને ઓડિશાના કાંઠા તરફ જશે અને ધીરે ધીરે નબળું પડશે. વાવાઝોડાની ઝડપ કલાક દીઠ 40 કિલોમીટરથી વધીને 100 કિલોમીટર થઇ જવાની શક્યતા છે. ઓડિશા સરકારે પણ ભારે વરસાદને કારણે પૂર આવવાની ચેતવણી આપી હતી. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ અને ઓડિશાના પુરી, ખુર્દા અને ગંજમ
જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા ઉપરાંત ભેખડો ધસી પડવાનો ભય પણ વ્યક્ત કરાયો હતો.