બળેજમાં ટ્રક ડ્રાઈવરની હત્યા કરી બૂટલેગર ફરારOctober 10, 2018

 પોલીસમાં પોતાનું
નામ જાહેર કરતાં મારી નાખ્યાની ફરિયાદ
પોરબંદર,તા.10
પોરબંદર નજીકના ઘેડ પંથકના બળેજ ગામે દારૂ ખરીદનાર યુવાન અગાઉ પોલીસમાં પીધેલ પકડાયો ત્યારે દારૂ વહેંચનારનું નામ આપ્યું હોવાથી તેનું મનદુ:ખ રાખીને દારૂ વહેંચનારે આ યુવાનની ગતરાત્રે કુહાડી જેવા તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી છે અને પોલીસે આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, બળેજ ગામના સુભાષ જખરાભાઇ પરમાર નામના ગ્રામપંચાયત ઓફીસ પાસે રહેતા અને ટ્રક ડ્રાઇવીંગનો ધંધો કરતા યુવાનની કુહાડીના ઘા મારેલ હોય તે પ્રકારની હત્યા થયેલી લાશ ગતરાત્રે મળી આવતા માધવપુર પોલીસનો કાફલો દોડી ગયો હતો. એટલું જ નહીં પરંતુ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા.
દરમિયાનમાં સુભાષના પરિવારજનો પણ ત્યાં આવી ગયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લવાયા બાદ પોલીસની પુછપરછમાં મરણજનાર સુભાષના પિતા જખરાભાઇ પરબતભાઇ પરમારે એવું જણાવ્યું છે કે, તેનો પુત્ર સુભાષ પહેલી ઓકટોબરના રોજ બળેજ ગામે બસસ્ટેશન પાસેથી પીધેલી હાલતમાં પકડાયો હતો અને તેણે આ દારૂ કયાંથી ખરીદયો? તેવી પોલીસની પુછપરછમાં સુભાષે એવું જણાવ્યું હતું કે, બળેજમાં જ રહેતા વેજા રામા પરમાર પાસેથી આ દારૂ ખરીદયો હતો. આથી પોલીસે વેજાને ત્યાં દરોડો પાડતા દારૂનો આથો મળી આવતા તેની સામે પણ ગુન્હો નોંધ્યો હતો.
આથી તેનું મનદુ:ખ રાખીને રાત્રીના સમયે કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારવડે વેજાએ સુભાષની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખી હોવાનું ફરિયાદમાં જણાવતા પી.એસ.આઇ. કનારા સહિતની ટીમ દ્વારા આરોપીને પકડી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે જખરાભાઇને ફરિયાદી બનાવીને વેજા સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે.
બળેજ ગામે યુવાનની હત્યા કરનાર શખ્સની ધરપકડ
પોરબંદર નજીકના બળેજ ગામે દારૂ વેચાતો લેનાર યુવાનનું ધંધાર્થીએ કુહાડીથી ખુન કરી નાંખ્યાના બનાવમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતા હત્યાના આરોપી વેજા ઉર્ફે ભોભાર રામા પરમારને પોલીસે પકડી પાડયો છે અને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.