ગરબા સ્થળે બીમાર વ્યક્તિને ‘નો-એન્ટ્રી’October 10, 2018

ગાંધીનગર તા,10
રાજ્યમાં વાઈરસથી ફેલાતા સિઝનલ ફ્લૂએ માજા મુકી છે ત્યારે રાજ્ય સરકારે ભીડભાડવાળા સ્થળોએ ઝેરી વાઇરસ આસાનીથી ફેલાઇ ન શકે તે માટે પ્રથમ વખત નવરાત્રિની આરોગ્ય આચારસંહિતા જાહેર કરી છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં યોજાતા અલ્ટ્રા મોર્ડન મેગા નવરાત્રિ મહોત્સવમાં બીમાર વ્યક્તિઓને એન્ટ્રી આપવામાં નહીં આવે. સ્કૂલોમાં નવરાત્રિનું વેકેશન જાહેર થતા મોડી રાતના ઉજાગરા, આહારવિહારમાં ફેરફારથી બાળકો સહિત નાગરીકોમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવાની શક્યતા રહી છે. આથી, આરોગ્ય વિભાગે તમામ કલેક્ટર, જિલ્લા પોલિસ અધિક્ષકોને ગરબાના સ્થળોએ બીમાર, રોગગ્રસ્ત વ્યક્તિને પ્રવેશ ન આપવા ગાઈડલાઈન સોંપી છે. આ શરતનો ભંગ કરનારા આયોજનોમાં પરમિશન રદ કરવાની સૂચના પણ આપવામા આવી છે. નોર્મલ વ્યક્તિ ગરબા રમી શકે છે. બિમારે આરામ કરવો પડશે. સિઝનલ ફ્લુને કારણે શહેરી વિસ્તારોમાં જ્યાં મોટાપાયે ગરબા થાય છે ત્યાં અર્બન હેલ્થ સેન્ટરની ટીમ રેન્ડમ સર્વે કરશે. જેમાં તાવ, ખાંસી જેવા રોગગ્રસ્ત લક્ષણો ધરવતા નાગરિકને તત્કાળ સારવાર લેવા મોકલાશે તેમ ડો.ગૌરવ દહિયા (મિશન ડાયરેક્ટર, નેશનલ હેલ્થ મિશન)એ ઉમેર્યું હતું.