...તો સરકાર અલ્પેશ ઠાકોર સામે કેમ ‘રાજદ્રોહ’નો ગુનો નોંધતી નથી: હાર્દિકOctober 10, 2018

 અલ્પેશ જો આ ઘટનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલો હોય તો સરકારે આ મામલે ‘સીટ’ની રચના કરવી જોઈએ
અમદાવાદ તા,10
બનાસકાંઠામાં બાળકીના દુષ્કર્મની ઘટનાના સમગ્રરાજ્યમાં ઘેર પ્રત્યઘાત પડ્યા છે અને ઠેર ઠેર પરપ્રાંતીય લોકો પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં અલ્પેશ ઠાકોરને જવાબદાર માનવામાં આવે છે, ત્યારે આજે અલ્પેશે ખુદ મીડિયા સામે આવીને આ વાતનો રદિયો આપ્યો હતો.
હાલ રાજ્યમાં આ મુદ્દે રાજકારણ તેજ થઇ ગયું છે. હાલ અલ્પેશ ઠાકોર સામે હાર્દિક પટેલે પોતાનું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં હાર્દિકે કહ્યું હતું કે જો સરકાર એમ માનતી હોય કે પરપ્રાંતિયો પરના હુમલાની ઉશ્કેરણીમાં અલ્પેશ ઠાકોરનો હાથ છે તો અલ્પેશ સામે ‘રાજદ્રોહ’નો ગુનો કેમ દાખલ કરતી નથી ?
હાર્દિક પટેલે અલ્પેશને લઈને કહ્યું છે કે, હાલ રાજ્યમાં ચાલી રહેલો પરપ્રાંતિયોનો મુદ્દો દિવસેને દિવસે ગરમાવો પકડતો જાય છે. જેથી અલ્પેશ જો આ ઘટનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલો હોય તો સરકારે આ મામલે સીટની રચના કરવી જોઈએ. ભાજપે કોંગ્રેસના લોકોના નામ જાણતા હોય તો તેમના નામ પણ જાહેર કરવા જોઇએ.
હાલ રાજ્યમાંથી 20 હજાર જેટલા પરપ્રાંતીય ઘર છોડી પોતાના વતન જવા મજબુર બન્યા છે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો ગુજરાત છોડી રહ્યા છે ત્યારે તેની સીધી આંગળી કોંગ્રેસ પર ચિંધવામાં આવી રહી છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ કોઇ એક પર્ટિકુલર વ્યક્તિને તેને કોઇ જાતિ કે ધર્મ સાથે લેવા-દેવા નથી. એના માટે તેને કોઇ ધર્મ કે સમૂહ સાથે જોડવું નહી. અને તે દિવસથી મે વારંવાર અપીલ કરી છે. મેં તે દિવસે જ કહ્યું હતું કે 14 મહિના દિકરીના મુદ્દે કોઇ રાજકારણ ન કરતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠાકોર સેનાના પાલનપુરના મીડિયા સેલ ઈન્ચાર્જ સહિત સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા વધુ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યા છે. હુમલાને રોકવા સંઘ પહેલીવાર આવ્યું મેદાનમાં
પરપ્રાંતીયો પર હુમલાને રોકવા માટે સંઘ પહેલીવાર મેદાનમાં આવ્યું છે. પરપ્રાંતીયોમાં વિશ્ર્વાસ જગાવવા બુધવારથી સંઘ અભિયાન છેડશે. લોકોમાં સામાજિક સમરસતા વધારવા માટે સંઘ અભિયાન છેડશે. સંઘ પરપ્રાંતીયોના વિસ્તારમાં જઈ તેમને સમજાવશે. અને ગુજરાતમાં શાંતિ સ્થપાઈ છે અને કોઈની ધાકધમકીથી ડરવાની જરૂર નથી તેવી બાંયધરી આપશે. જે રીતે રાજ્યમાં પરપ્રાંતીયો પર હુમલા થયા છે અને ભાજપ સરકારની છબી ખરડાઈ છે ત્યારે સંઘ ડેમેજ કંટ્રોલ કરી પરપ્રાંતીયોમાં વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરશે. અલ્પેશે યુપી-બિહારના મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગુજરાતમાં પરપ્રાંતીયો મુદ્દે ગરમાયેલી રાજનીતિ વચ્ચે અલ્પેશ ઠાકોરે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશકુમારને પત્ર લખ્યો છે. અલ્પેશે બંને મુખ્યપ્રધાનોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ ગુજરાતમાં થયેલા બનાવોને લઇને ચિંતિત છે. આ ઘટનામાં ઠાકોર સમાજને બદનામ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પરપ્રાંતિયો પરના હુમલામાં ઠાકોર સમાજનો હાથ ન હોવાની સ્પષ્ટતા પણ અલ્પેશ ઠાકોરે પત્રમાં કરી. અલ્પેશે જણાવ્યું કે ગુજરાતમાં જે કંઇ પણ થઇ રહ્યું છે તે રાજકીય રંગ આપવા માટે કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતિયો પર સતત થઇ રહેલા હુમલાને કારણે ફફડી ઉઠેલા પરપ્રાંતિયો પોતાના વતનમાં હિજરત કરી રહ્યા છે. મોટા ભાગના પરપ્રાંતિયો યુપી અને બિહારના રહેવાસી છે. ત્યારે યોગી આદિત્યનાથ અને નીતિશ કુમારે સીએમ રૂપાણીને તેમના રાજ્યોના વતનીઓને સલામતી પૂરી પાડવા અપીલ કરી છે.