રામ લક્ષ્મણની ધરણા-લીલા!October 10, 2018

વારાણસી તા.10
વારાણસીના લટ ભેરવ મંદિર ખાતે થતી ઐતિહાસિક રામલીલાના આયોજકોએ રામ કેવટ સંવાદ દૃશ્યોને જીવંત બનાવવા મંદિરથી થોડા અંતરે આવેલા ધાનેસર તળાવ ખાતે રામલીલાનું આયોજન કર્યું હતું. ધાનેસર તળાવ ખાતે પ્રેક્ષકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પરંતુ રામલીલામાં રામ અને લક્ષ્મણનું પાત્ર કરી રહેલા કલાકારો રામલીલાના પોશાકમાં જ તળાવમાંથી આવતી દુર્ગંધ સામે વિરોધ નોંધાવતા ધરણા પર બેસી જતાં પ્રેક્ષકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તળાવની ચોમેર પથરાયેલી ગંદકીને કારણે કલાકારોને જ ઊલટી થવા લાગી હતી. તેવામાં મંચ પર રામલીલા ભજવવાને બદલે કલાકારો તળાવની ગંદકી સામે વિરોધ નોંધાવવા ધરણા પર બેસી ગયા હતા. તળાવ દુર્ગંધથી ભરેલું હોવાથી રામ લક્ષ્મણના પાત્રો ભજવી રહેલા પાત્રોને જ ઊલટી થવા લાગી હતી.રામલીલા સમિતિના અધ્યક્ષે કલાકારોનો રોષ જોઈને મ્યુનિસિપાલ કમિશનરનો સંપર્ક કર્યો હતો. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તળાવ પર દોડી ગયા હતા. કલાકારોને તળાવ સાફ થશે તેની ખાતરી આપ્યા પછી જ રામલીલા શરૂ થઈ હતી.