લાલ રંગ ખૂટતા છરીથી આંગળીમાંથી લોહી કાઢી ચિત્ર દોર્યુંOctober 09, 2018

પોરબંદર તા.9
પોરબંદરના મહાન ચિત્રકાર સ્વ. અરિસિંહ રાણા કેશવાલાની 8 મી પૂણ્યતિથિ નિમિત્તે આરજીટી કોલેજ ખાતે યોજવામાં આવેલ પુષ્પાંજલી કાર્યક્રમમાં તેમની ચિત્રકલાની સાધનાને યાદ કરીને જીવનના કેટલાક પ્રસંગો તાજા કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં શિક્ષક-પ્રશિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી રાજય સરકાર સંચાલિત રામબા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજ પોરબંદર ખાતે કોલેજના પૂર્વઆર્ટમાસ્ટર અરિસિંહ રાણા કેશવાલાની આઠમી પૂણ્યતિથિ નિમિતે એક શ્રધ્ધાંજલી સભાનું આયોજન કોલેજમાં કરવામાં આવ્યું હતું.
કોલેજના નવા પ્રવેશ પામેલા બી.એડ્. અને એમ.એડ્.ના તાલીમાર્થીઓને સ્વ. અરિસિંહ રાણાની કલા સાધનાથી અવગત કરવા પ્રાચાર્ય અલ્તાફભાઇ રાઠોડ દ્વારા યોજાયેલી આ શ્રધ્ધાંજલીસભામાં અરિસિંહ રાણાના પુત્ર કેશુભાઇ કેશવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કર્યા બાદ પ્રાધ્યાપક ડો. મીતાબેન થાનકી દ્વારા ‘જીવન અંજલી થાજો’ પ્રાર્થનાથી ગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વ. અરિસિંહ રાણાની છબીને પુષ્પહાર તથા પુષ્પાંજલિ અર્પણ કરતા રામબા પરિવારના સૌ પ્રાધ્યાપક, પ્રાચાર્ય તથા તાલીમાર્થી મિત્રો સહિત કેશુભાઇ પણ ભાવવિભોર બન્યા હતા.
આ તકે સ્વ.અરિસ્િંહ રાણાની કલા યાત્રા અંગે કોલેજના પ્રાધ્યાપક ડો. મીતાબેન થાનકી દ્વારા લિખિત લેખનું આદર્શ વાંચત બી.એડ્.ના તાલીમાર્થી હિરલબેન ભટ્ટા દ્વારા ભાવવારી શૈલીમાં કરવામાં આવ્યું હતું. આજથી આઠ વર્ષ પૂર્વે તા. 6/10/18ને ભાદરવી ચૌદશના રોજ પોરબંદરના ચિત્રકલા જગતમાંથી અરિસિંહ રાણા નામનું અક પ્રતિભાવંત સિતારો કેન્સરની મહામારીમાં સપડાઇને ખડી પડયો ત્યારે પોરબંદરનું કલાજગત દિગ્મૂઢ થઇ ગયું હતું. પોતાના જીવનના આઠ દાયકાઓ સુધી શિક્ષણ અને કલાજગતની સંનિષ્ઠ સેવા કરનારા આ વિશ્ર્વવિખ્યાત કલા સાધકના ચિત્રકાર આત્માને સૌ પ્રથમ પારખ્યો હતો કોલેજના આદ્ય ત્રિવેદીની વિચક્ષણ દ્રષ્ટિએ... તેઓએ રામબા કોલેજમાં તત્કાલ આર્ટ માસ્ટરની જગ્યા મંજુર કરાવી અને ઇ.સ.1955માં યુવાન અરિસિંહને આર્ટ માસ્ટર તરીકે નિમણુંક આપી આ રીતે તેમનો શિક્ષક તરીકે નવો જન્મ થયો. એ પછી પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઇસ્કુલમાં ચિત્રશિક્ષકની જગ્યા ખાલી પડતા તેઓ ત્યાં સેવારત થયા અને ત્યાંથી જ સેવા નિવૃત થયા. ત્યાં સુધી શાળા-કોલેજના અસંખ્ય વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ચિત્રકલા શિક્ષણ આપ્યું એટલું જ નહીં રામબા કોલેજના કેમ્પસમાં જ નિવાસ કરતા હોઇ, જીવ્યા ત્યાં સુધી તાલીમાર્થીઓને પાઠ આયોજનના ભાગરૂપે ચિત્રો ચાર્ટના નિર્માણમાં નિસ્વાર્થ મદદ કરતા રહ્યા આજે પણ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ તેમની સેવાઓને યાદ કરે છે. આદ્ય પ્રાચાર્ય પ્રભાશંકર ત્રિવેદીના સુચનથી તેમણે રામબા કોલેજના પ્રાર્થનાખંડમાં દોરેલા સર્વધર્મના વડાઓના રેખા ચિત્રો આજેપણ કાળજીપૂર્વક સાચવ્યા છે. આ ચિત્રો પૈકી ઇસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચઢાવેલા દર્શાવતા ક્ષેત્રમાં જયારે ઇસુના દેહમાંથી લોહી નિકળતું દર્શાવવાની જરૂર લાગી ત્યારે તે સમયે સોપિયા કલરમાં ચિત્રનું સર્જન થતું હોવાથી લાલ રંગની ગેરહાજરીમાં અરિસિંહભાઇએ છરી મંગાવી પોતાની આંગળી પર કાપો મૂકી પોતાનું લોહી ચિત્રમાં લગાડી દીધેલું અને ચિત્રને જીવંત બનાવી દીધેલ! જે ચિત્ર આજે પણ તેમની યાદોને તાજી કરે છે.
પોતાના કલાગુરૂ અને પોરબંદરના જ નિવાસી વિશ્ર્વવિખ્યાત જગન્નાથ અહોભાવને કારણે કલાસાધનાને કયારેય ન છોડનાર સ્વ. અરિસિંહભાઇએ યુવાન વયમાં પૃથ્વીરાજ કપુરની ફિલ્મોમાં આર્ટ ડાયરેકટર તરીકે પણ કામ કર્યુ હતું. પરંતુ ત્યારબાદ કૌટૂંબિક કારણોસર મુંબઇ છોડી પોરબંદરમાં સ્થાયી થયા હતા
અને શિક્ષણ જગતને પોતાનો લાભ આપ્યો હતો.
આ રીતે સ્વ. અરિસિંહભાઇના જીવનથી પરિચિત થઇ રામબા કોલેજના પ્રવર્ચમાન તાલીમાર્થીઓ ભાવવિભોર બન્યા હતા. ત્યારબાદ અધ્યક્ષીય, ઉદબોધનમાં પ્રાચાર્ય અલ્તાફભાઇ રાઠોડે સ્વ. અરિસિંહ રાણાએ રામબા પરિવારને તથા કલાજગતને આપેલી સેવાઓને બિરદાવી તેમજ યાત્રામાં સફર કરાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.એડ્.ના તાલીમાર્થી શાંતિબેન ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું.