ભાજપ રામ મંદિર નહીં બનાવે તો તેનું ‘રામ નામ સત્ય’ : શિવસેનાOctober 09, 2018

મુંબઈ તા,9
શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામાના’ના તંત્રીલેખમાં ફરી એકવાર બીજેપી પર હુમલો કર્યો છે. સામના દ્વારા શિવસેનાએ બીજેપીને કહ્યું કે, જો જલ્દી રામ મંદિરનું કામ શરૂ ન કર્યું તો આવતી લોકસભા ચૂંટણીમાં બીજેપીની હાર નિશ્ચિત છે.
વધુમાં તંત્રીલેખમાં લખ્યું છે કે બાબરી મસ્ઝિદને શિવ સૈનિકોએ પાડી અને તે સમયે બાલાસાહેબ ઠાકરેએ તેની જવાબદારી પણ લીધી હતી. હવે જ્યારે કેન્દ્રમાં બીજેપીની સરકાર છે તો રામ મંદિર બનાવવામાં મોડુ કેમ થઇ રહ્યું છે?
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ જલ્દી કરાવવું જોઇએ નહીં તો લોકો આવનારી ચૂંટણીમાં બીજેપીને સત્તા પર આવવા નહીં દે. સામનામાં કહ્યું છે કે બીજેપીએ સરકાર બનાવ્યાં પહેલા રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો પરંતુ હવે તેઓ આ વાયદાને ભૂલી ગયા છે.
લોકસભા ચૂંટણી આવવાની છે એટલે કેન્દ્રમાં રહેલી બીજેપી સરકારે રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવું જોઇએ.
મહત્વનું છે કે 2014માં લોકસભા ચૂંટણીના ઘોષણાપત્રમાં બીજેપીએ રામ મંદિરના મુદ્દાને પણ ઉમેર્યો હતો.
શિવસેનાએ લખ્યું, ‘જલ્દીમાં જલ્દી રામ મંદિરનું નિર્માણ કરે બીજેપી, નહીં તો આવતી લોકસભા ચૂંટણીમાં પરામ નામ સત્ય ...’ માટે તૈયાર રહો.
ગત મહિનામાં એટલે સપ્ટેમ્બરમાં બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. જે પ્રસંગે ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજનીતિક પ્રસ્તાવ રાખ્યો હતો. જેને કાર્યસમિતિએ પાસ કરી દીધો હતો. મળેલી માહિતી પ્રમાણે ગૃહમંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના વિઝન 2022ની પ્રશંસા કરતા પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવમાં ન્યૂ ઇન્ડિયાની વાત કરી હતી. જે ગરીબોથી મુક્ત હશે અને જ્યાં કોઇપણ ઘર વગરનો હશે નહીં, પરંતુ આમા રામ મંદિરની વાત ન હતી.