યુક્રેનમાં હથિયારોના ગોડાઉનમાં વિસ્ફોટ: 10,000 લોકોનું સ્થળાંતરOctober 09, 2018

યુક્રેન તા,9
યુક્રેનના શેરનિહિવ શહેરમાં આજે હથિયારોના ગોડાઉનમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. યુક્રેનની ડિફેન્સ ઓફિસ અનુસાર, શહેરને ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી 10 હજાર લોકોનું આસપાસના વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે સડકો અને મોટાંભાગના એરપોર્ટને પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. શેરનિહિવ દેશની રાજધાની કીવથી માત્ર 176 કિલોમીટર દૂર છે, એવામાં મિલિટરીને ઝડપથી આ ઘટનાસ્થળે પહોંચાડી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્લાસ્ટ મંગળવારે સવારે 3.30 વાગ્યાની આસપાસ થયો. યુક્રેન સ્ટેટ ઇમરજન્સી સર્વિસે થોડાં સમય બાદ બ્લાસ્ટની તીવ્રતાને ધ્યાનમાં રાખીને 20 કિમીના એરપોર્ટ ક્ષેત્રને બંધ કરી દીધા છે. નેશનલ ગાર્ડ્સ પણ ઘટનાસ્થળે મોજૂદ છે. હાલ મૃતકોની સંખ્યાને લઇને કોઇ ખુલાસા કરવામાં આવ્યા નથી.
આ ઘટનાના એક વર્ષ પહેલાં પણ 28 સપ્ટેમ્બરના રોજ યુક્રેનના કલિનોવકામાં દેશના સૌથી મોટાં સૈન્ય હથિયારના ગોડાઉનમાં આગ લાગી હતી. તે સમયે આગથી યુક્રેનના સૌથી મોટી મિલિટરી વેર-હાઉસમાં રાખેલા અંદાજિત 1 લાખ 88 હજાર ટન વિસ્ફોટક પદાર્થો બરબાદ થઇ ગયા હતા. આ બ્લાસ્ટ એટલાં તીવ્ર હતા કે, આસપાસ આવેલા ગામ ખરાબ રીતે બરબાદ થઇ ગયા હતા.