શાળાઓમાં કાલથી 8 દી’નું વેકેશન

 શિક્ષણ વિભાગ વેકેશન મરજિયાત બનાવવા નમતું નહીં જોખતાં રાજકોટની 300 સ્વનિર્ભર શાળાએ વિદ્યાર્થીઓને ક-મને આપી રજાઓ
રાજકોટ તા.9
દિવાળી વેકેશનમાં કાપ મુકીને નવરાત્રીમાં (નવું) વેકેશન આપવાના રાજ્ય સરકારના ઓચિંતા અને અધકચરા નિર્ણયે ભારે દ્વિધા ઉભી કર્યા બાદ હવે આવતીકાલ-બુધવારથી વેકેશન રહેવાનું પાક્કુ બન્યું છે. શિક્ષણ વિભાગે સીબીએસઇ શાળાઓની જેમ ગુજરાત બોર્ડની શાળાઓ માટે પણ નોરતા વેકેશન મરજીયાત રાખવાની માંગ વિશે નમતું ન જોખતા આખરે રાજકોટની ખાનગી શાળાઓએ સરકારી નિર્ણયને મને-કમને સ્વીકારી લીધો છે. નવરાત્રી વેકેશન રાખવું સીબીએસઇ તથા અન્ય બોર્ડ સંલગ્ન શાળાઓ માટે મરજીયાત બનાવીને સરકારે ફેરવી તોળતા ગુજરાત બોર્ડને સંલગ્ન શાળાઓને પણ આવી છુટની આશા જાગી હતી. શાળા સંચાલકોની દલીલ હતી કે નોરતા પછી તરત અર્ધવાર્ષિક પરીક્ષાઓ આવે છે અને
ધોરણ 10, 11, 1ર માં તો આમ પણ કોર્સ અધુરા છે. પુરેપુરો કોર્સ ચલાવવા દિવસો ઓછા પડે છે તેમાં નવરાત્રી રજાઓ આપી દેવાય તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તકલીફ ઔર વધે તેમ છે. જો કે સરકારે વિદ્યાર્થીઓ પારંપરીક પર્વને મોકળાશથી માણી શકે એ માટે આ વર્ષથી જ નિર્ણય લાગુ કરવાનું વલણ અફર રાખ્યું હતું.
રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલે જણાવ્યું કે શહેરની 300 જેટલી ખાનગી શાળાઓમાં તા.10મીથી નોરતાનું વેકેશન રખાશે. પ્રાથમિક વિભાગથી માંડીને ધો.1ર સુધીના વર્ગો તા.17 સુધી બંધ રહેશે. એસએન કણસાગરા સ્કુલમાં વેકેશન પાંચ દિવસનું રહેશે તેમ જાણવા મળ્યું છે. નોરતા આઠ દિવસ, વેકેશનના દિવસ સાત, એકંદર રજા નવ !
તારીખ-વાર શાની રજા
તા.10 બુધવાર વેકેશન દિવસ-1
તા.11 ગુરૂવાર વેકેશન દિવસ-ર
તા.1ર શુક્રવાર વેકેશન દિવસ-3
તા.13 શનિવાર વેકેશન દિવસ-4
તા.14 રવિવાર જાહેર રજા
તા.1પ સોમવાર વેકેશન દિવસ-પ
તા.16 મંગળવાર વેકેશન દિવસ-6
તા.17 બુધવાર વેકેશન દિવસ-7
તા.18 ગુરૂવાર દશેરાની જાહેર રજા હોસ્ટેલમાં રહેતા હજારો વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીના નિર્ણયથી પડી મુશ્કેલી
રાજકોટ શહેર તથા ખાસ કરીને આસપાસના વિસ્તારોમાં અનેક બોર્ડીંગ સ્કુલો ધમધમે છે. અહીં હોસ્ટેલમાં રહેતા અને ત્યાં જ શાળામાં ભણતા હજારો વિદ્યાર્થીઓ વેકેશનમાં ઘેર જવું કે કેમ તેની અવઢવમાં હતા કેમ કે વેકેશન મળશે કે નહીં એ જ નક્કી નહોતું. અંતે હવે છેક એટલે કે નવરાત્રિ વેકેશનના આગલા દિવસે વેકેશન જાહેર કરાતા બહારગામથી
તેમના વાલીઓએ ઓચિંતા તેમને તેડવા રાજકોટ દોડી આવવું પડયું અને ભારે તકલીફ વેઠવી પડી હતી. અનેક બાળકો હજુ છેક કાલે ઘેર જઇ શકશે કેમ કે સાંજ સુધી શાળામાં ભણવાનું હોય અથવા તો આજને આજ વાલી તેડવા આવી નથી શકયા.