ઇન્ટરપોલના વડાના ભેદભરમ ખૂલે છેOctober 09, 2018

 ભ્રષ્ટાચારના આરોપસર ચીનમાં ગિરફતાર
બીજિંગ તા.9
ઇન્ટરપોલના પ્રમુખ મેંગ હોંગવેઇના ચીનમાં લાપતા થવા વિશે ઇન્ટરપોલ એજન્સીએ ચીન પાસે માગેલી સ્પષ્ટતા બાદ ચીને આખરે એક લાઇનનો જવાબ આપી દીધો છે. જે મુજબ મેંગ હાલમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ હેઠળ હોવાનો ખુલાસો ચીન પ્રશાસન તરફથી કરવામાં આવ્યો છે. તેમની આ કારણસર અટકાયત કરાઇ હોવાનું ચીને જણાવ્યું છે. હોંગવેઇએ ઇન્ટરપોલના પ્રમુખપદેથી રવિવારના રોજ રાજીનામું આપ્યું છે. ચીન તરફથી જણાવ્યા મુજબ મંત્રાલયના કોઈ પણ અધિકારીની ભ્રષ્ટાચારમાં સંડોવણી બદલ તપાસ કરવામાં આવશે.
ઇન્ટરપોલ એજન્સીના જણાવ્યા મુજબ પચીસ સપ્ટેમ્બરના રોજ પૂર્વ પ્રમુખ મેંગ ઇન્ટરપોલ કચેરી લિયોન ખાતેથી ચીન જવા નીકળ્યા બાદ લાપતા થયા હતા. તેમની પત્નીને પણ તેમણે તેમના ફોનની રાહ જોવાનો સંદેશ મોકલ્યો હતો. બાદમાં છરીની ઈમોજીવાળો સંદેશ મોકલ્યા બાદ તેમની પત્ની સાથેનો વ્યવહાર પણ કપાઈ ગયો હતો. આખરે ચીનની નેશનલ સુપરવાઈઝરી કમિશને મેંગ અંગે ચુપકીદી તોડી હોંગવેઇ તેમની વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચાર અને કાયદાના ઉલ્લંઘનના આરોપ હેઠળની તપાસ અંગે હિરાસતમાં હોવાનું જણાવી દીધું છે. ચીનનું નેશનલ સુપરવાઈઝરી કમિશન ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સરકારી અધિકારીની તપાસનું કામ કરી રહી છે.
કમિશનની જાહેરાત બાદ ઇન્ટરપોલે મેંગનું રાજીનામુ તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. ચીનમાં બિઝનેસ મેન, હાઈ પ્રોફાઈલ પર્સનાલિટી, સરકારી હોદ્દેદારો સહિત ઘણા બધા ગુમ થવાની ઘટના બનતી રહી છે. પછી એ લોકો સીધા કોર્ટમાં જોવા મળતા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મેંગ એમાંના એક છે જેમની ઇન્ટરપોલ પ્રમુખ તરીકે 2016માં નિયુક્તિ થઈ હતી. તેઓ ઇન્ટરપોલ અધિકારી પદ પ્રાપ્ત કરનાર ચીનના પહેલા અધિકારી હતા. 2016થી તેઓ ફ્રાન્સના લિયોન ખાતે વસતા હતા.
આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા વોશિંગ્ટનસ્થિત સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સેન્ટરના બોની ગ્લેસરે જણાવ્યું હતું કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સંસ્થામાં ચીન અધિકારીની નિમણૂક પહેલા બે વાર વિચારણા કરવી જોઈશે. જોકે નિષ્ણાંતોને મતે ચીનની વર્તણૂક પ્રમુખ શી જિન્પિંગના હરીફોને ખતમ કરવા તરફની વધુ લાગી રહી છે.
મેગની કારકિર્દી જિન્પિંગના પ્રતિસ્પર્ધી ઝો હોંગકોંગના નિર્દેશન હેઠળ તૈયાર થઈ છે. જેમણે ભ્રષ્ટાચારને ડામવામાં નોંધનીય યોગદાન કર્યું હતું. ઝોને સત્તા ઉથલાવવાના કાવતરાના આરોપ હેઠળ 2014માં જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ઝોએ મેંગની 2004માં વાઈસ સિક્યુરિટી મિનિસ્ટર તરીકે નિમણૂક કરી હતી.
વાઈસ સિક્યોરિટી મિનિસ્ટર તરીકે મેંગએ આતંકવાદના વિરોધમાં અભિયાન ચલાવ્યું હતું. ઉપરાંત ચીનના પશ્ર્ચિમ વિભાગમાં ઉઠેલી ઘર્ષણની ઘટનાઓને પણ નાથવામાં તેઓ સફળ રહ્યા હતા. હાલ ઇન્ટરપોલ વેબસાઈટ પર ચીન અંગે 44 રેડ નોટિસ નોંધાયેલી છે. જેમાં મોટા ભાગે હત્યા, આંતરરાષ્ટ્રીય ઈજા, ડ્રગ સ્મગલિંગના કેસ વધુ જોવા મળે છે.