કચ્છના સાધ્વી હુમલા પ્રકરણના આરોપીને સખ્ત સજાની માગણીOctober 09, 2018

 લીંબડી જૈન સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદન
પાઠવી ઉગ્ર રજૂઆત કરી
સુરેન્દ્રનગર તા,9
કચ્છના ભચાઉમાં મહાસતીજી ઉપર થયેલ હુમલાને વખોડી લીંબડી જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી આરોપીઓને ત્વરીત પકડી કડક સજા કરવાની માંગ કરી છે.
લીંબડી અજરામર સંપ્રદાયના પરમ પૂજય પ્રકાશમુની મહારાજ સાહેબના સુશિષ્યા પરમ પૂજય સાધ્વીરત્ના ઝરણાભાઇ આર્યાજીના સુશિષ્યા પરમપૂજય મનસ્કૃતિબાઇ આર્યાજી કે જેઓ હાલમાં ભચાઉ મુકામે માંડવીવાસ ઉપાશ્રયમાં ચાર્તુમાસ બીરાજીત છે. તેઓ ગઇકાલે તા.7/10/18ના રોજ બપોરના સમયે ગૌચરી વહોરવા માટે ગયેલ હતા. ત્યારે ભચાઉની બજારમાં ત્રણ અજાણ્યા શખ્સ દ્વારા સરાજાહેરમાં છરી મારી લુંટના ઈરાદે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયેલ છે અને પૂજય મહાસતજીને જીવલેણ ઈજાઓ કરવાના ઇરાદે ગળામાં છરીના તિક્ષ્ણ ઘા કરી બેરહમી અને અમાનુષી કૃત્ય આચરેલ છે જે ગુજરાત રાજયના કાયદો અને વ્યવસ્થા માટે કલંક સમાન છે અને તેને સમગ્ર જૈન સમાજ ઘોર નિંદા અને દુ:ખ સાથે સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.
અહીંસા પરમો ધર્મને વરેલો જૈન સમાજ કે જેણે કયારેય પણ કોઇનું ખરાબ થાય તેવી ભાવના કર નથી અને ગુજરાતમાં હવે જૈન સાધુઓની સલામતી માટે મોટો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય તેવું આ જધન્ય કૃત્ય થયેલ છે જેથી કાયદો અને વ્યવસ્થા અંગે રાજય સરકાર નિષ્ફળ સાબીત થયેલ છે અને જયારે સાધુઓની સલામતી નથી ત્યારે અન્ય નાગરીકોની શી હાલત થાય તેની કલ્પનાથી ધ્રુજારી આવી જાય છે.
આ બનાવના આરોપીઓ હજુ સુધી ફરાર છે અને ભચાઉ પોલીસ તેઓને પકડવામાં નિષ્ફળ ગયેલ છે ત્યારે પોલીસ બેઠા પર પણ મોટો સવાલ ઉભો થાય તે સ્વભાવીક છે.
આ બનાવવા આરોપીઓની તાત્કાલીક ધરપકડ થાય તેવી સમગ્ર જૈન સમાજની લાગણીઓ માંગણી છે અન્યથા જો તેમાં વિલંબ થાય તો જૈન સમાજે હવે પછી ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશે.