માંગરોળના શેરિયાઝમાં સવા-સો લોકોના ટોળાંનો પોલીસ પર હુમલો: પત્થરમારામાં એચસી ઘાયલOctober 09, 2018

 એક પોલીસમેનના સોનાના ચેનની લૂંટ; જાનથી મારી નાખવાની ધમકી
 ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારાયા: હુમલાખોરોને પકડવાની તજવીજથી દેકારો
જૂનાગઢ તા.9
માંગરોળના શેરીયાઝ ગામે જુગાર અંગે રેઈડ પાડવા ગયેલ પોલીસ પાર્ટી ઉપર સવા સો જેટલા શખ્સોએ હુમલો કરી પથ્થરમારો કરી પોલીસ જવાનોને ઈજાઓ કરી એક પોલીસ કર્મીના સોનાના ચેનની લૂંટ કર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોલીસે 14 શખ્સોની ધરપકડ કરી છે. આ બનાવ બાદ શેરીયાઝ ગામમાં પોલીસના ધાડેધાડા ઉતરયા હતા અને ગામમાંથી હુમલો કરનાર શખ્સોને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા દેકારો મચી જવા પામ્યો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર માગરોળના મીરન પોલીસ સ્ટેશન તાબાના શેરીયાઝ ગામે પોલીસને મળેલી બાતમીના આધારે ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં જુગાર અંગે દરોડો પાડવા ગયેલ ત્યારે જુગાર રમતા ટોળાના માણસો એકદમ ઉશકેરાય ગયા હતા અને પોલીસ પાર્ટી સાથે બોલાચાલી કરી હતી તે દરમિયાન ગામના અન્ય લોકો પહોંચી ગયા હતા અને પોલીસ પાર્ટી ઉપર પથ્થરમારો કરી, પો.હે.કો. આર.જે. નંદામીયાને માથાના અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે તેમની સાથેના પોલીસ કર્મી પંકજગીરી મગનપરીના ગળામાંથી રૂા.40 હજારના સોનાના ચેનની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ બાદ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના પો.હે.કો. આર.જે.નંદાલિયાએ પરબત ઉકા કામરિયા સહિત સવા સો જેટલા લોકોના ટોળા સામે ગુનો નોંધાવતા પોલીસે પરબત ઉકા, ભીખુ સહિત 14 શખ્સોની અટક કરી હતી જ્યારે રામ ગીગા ચુડાસમા સહિતના 10 લોકો નાસી જવા પામ્યા હતા.
ભેંસાણની તરૂણીનું અપહરણ
જૂનાગઢ પંથકમાં લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણના બનાવોમાં નોંધપાત્ર વધારો નોંધાય રહ્યો છે. જૂનાગઢની ક્રાઈમ ફાઈલ સરેરાશ રોજની એક સગીરાના અપહરણ સાથે એકટીવ
રહેવા પામે છે અને પોલીસ અપહરણકર્તાને પકડવા કવાયત હાથ ધરી રહી છે. જોકે, પોલીસ આવા અપહરણકર્તાઓને પકડી પાડ્યા બાદ લાજ કાઢતી હોય તેમ અખબારોને અહેવાલ આપતી નથી ત્યારે કેટલી સગીરાઓને પોલીસે શોધી કાઢી આરોપી સામે પગલા ભર્યા તેનાથી લોકો અજ્ઞાત રહેવા પામ્યા છે.
દરમિયાન ભેસાણ પંથકના એક પરિવારની સગીર વયની દિકરીને ધારી ગુંદાળી ગામનો અશ્ર્વીન મગનભાઈ નામનો શખ્સ ગત તા.17/9/2018ના રાત્રીના 2થી 3 વાગ્યા પહેલાના સમયે લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ગઈકાલે ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.