સન્નાટામાં સરગમ રેલાવતી સંજ્ઞા અને ભાવની લિપીSeptember 22, 2018

હ ભાવના દોશી
‘ખામોશી ધ મ્યુઝિકલ’ ફિલ્મમાં મનિષા કોઇરાલાએ મૂક બધિર માતાપિતાની સામાન્ય પુત્રીનું પાત્ર બખૂબી નિભાવ્યું હતું, તો માતાપિતાની ભૂમિકામાં પણ નાના પાટેકર અને સીમા વિશ્ર્વાસે પણ જાનદાર અભિનય કર્યો હતો. સમગ્ર ફિલ્મમાં મૂક બધિર લોકોની તકલીફ, તેના પ્રશ્ર્નો, તેમની વ્યથાને ખુબીપૂર્વક દર્શાવવામાં આવ્યા હતા હૃદયસ્પર્શી અને સમાજની આંખો ખોલનાર આ ફિલ્મને જોઇને દર્શકોની આંખો આંસુથી ભીની ન થઇ હોય એ અશક્ય જ છે ત્યારે મનમાં એક વિચાર પણ ઉદભવે કે જે લોકો ખરેખર આવી જિંદગી જીવતા હશે તે લોકોની હાલત કેવી હશે?
મૂક બધિર લોકોની પોતાની દુનિયા હોય છે. જ્યાં તેમના પોતાના સંઘર્ષો હોય છે. તેમની પોતાની જીંદગી હોય છે અને આ જીંદગીમાં તેઓ પોતાના સંઘર્ષની સાથે જીવે છે. સમાજનો સ્વીકાર અને સામાન્ય માણસનો સહકાર પરંતુ કડવી લાગે તેવી વાસ્તવિકતા અને આપણને કોઇને ન ગમે તેવી વાત એ છે કે આપણે સક્ષમ હોવા છતા તેમને સાથ, સહકાર, સહયોગ અને સ્નેહ આપવામાં ઉણા ઉતર્યા છીએ અને આવી પરિસ્થિતિ ફક્ત ભારતમાં જ છે. વિદેશમાં મૂકબધિર લોકોની સ્થિતિ ઘણી સારી છે. ત્યાં સરકાર તરફથી પણ તેઓને મુશ્કેલી ન પડે તેવા કાયદા અને વ્યવસ્થા પણ છે.
સમગ્ર વિશ્ર્વમાં કરોડોની સંખ્યામાં મૂક બધિર લોકો છે તેઓ બોલી સાંભળી ન શકતા હોવાથી ‘સાઇન લેગ્વેંજ’ શીખીને પોતાના જેવી જ ખામી અને ખૂબી ધરાવતા લોકોને મિત્રો બનાવી જીવનને સરળ કરવાનો કઠીન પ્રયાસ કરતા રહે છે. આવી ખુબી ધરાવતા લોકો એકબીજાને મળી શકે, પોતાના વિચારો વ્યકત કરી શકે તેમજ આત્મવિશ્ર્વાસ પૂર્વક જીવનના પ્રશ્ર્નોને ઉકેલી શકે તે માટે તા. 23 થી 29 આંતરરાષ્ટ્રીય મૂક બધિર સપ્તાહ ઉજવવામાં આવે છે. ઇ.સ. 1957થી આ દિવસ ઉજવવામાં આવે છે તેમજ રાજકોટમાં પણ છેલ્લા આઠ વર્ષથી રેલી કાઢીને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સામાન્ય લોકો સાથે રોજબરોજના વ્યવહારોમાં તેઓ કમ્ફર્ટ અનુભવતા નથી તેથી છે જ તેઓ પોતાના જેવા જ મિત્રોને શોધી મૌન રહીને પણ ગમતાનો ગુલાલ, કરતા રહે છે.
લોકોમાં જાગૃતિ આવે તેનામાં ઉત્સાહનો સંચાર થાય છે સકારાત્મક વાતાવરણ બને છે અને સમાજમાંં એક પોઝીટીવ મેસેજ પણ જાય છે. આમ 2008થી દર વર્ષે તા.26/9ના રોજ આ પ્રકારની રેલી કાઢવામાં આવે છે.
રાજકોટમાં શ્રી બહેરામુંગા શાળા જે મૂક બધિર લોકોને અભ્યાસની સાથે કેળવણી આપી અનેક લોકોના જીવન સંવારે છે. હાલ તેના પ્રિન્સપાલ તરીકે કશ્યપભાઇ પંચોલી ફરજ બજાવી રહ્યા છે અને અનેકવિધ પ્રવૃતિઓ કરાવે છે.
તા.23 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર મૂક બધિર સપ્તાહ સમગ્ર વિશ્ર્વ ઉજવશે ત્યારે ‘ગુજરાત મિરર’ દ્વારા તેમની નિ:શબ્દ ભાષા, હૃદયની વણકહેલ વાતો અને મનમાં ઘોળાતી મુંજવણને ઉકેલવાનો નમ્ર પ્રયાસ.