સિંહોના ક-મોતનાં કારણો શોધીને ગુનેગારો સામે સખત પગલાં ભરો

 રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવ્યો મુદ્દો
જામનગર તા.21
ગીર જંગલની દલખાણિયા રેન્જમાં ત્રણ અને રાજુલામાં એક સિંહના મૃતદેહો મળવાના સમાચાર દુ:ખદાયક અને દુર્ભાગ્યપૂર્ણ છે. એક ભય એવો પણ છે કે કુલ અગિયાર સિંહો મરી ગયા છે અને બાકીનાનાં શબ મળવાનાં બાકી છે. જો આ સાચું હોય તો તે ભય પમાડનારૂં છે અને હવે વખત આવી ગયો છે કે સત્તાવાળાઓ આ મોતનાં કારણો શોધે અને ગુન્હેગારો પર કામ ચલાવે. રાજ્ય સભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ ગુજરાતના ગૌરવ સમાન આ સિંહોના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી રોષ પ્રકટ કર્યો હતો.
નથવાણી ખુદ એક અનન્ય વન્ય જીવ પ્રેમી છે અને તેમણે ’ગીર લાયન: પ્રાઇડ ઑફ ગુજરાત’ નામનું દળદાર પુસ્તક પણ તાજેતરમાં પ્રકાશિત કર્યું છે. તેમણે કહ્યું કે જો સિંહોને ઝેર આપીને કે વીજળીના ઝટકાથી મારી નાખવામાં આવ્યા હોય તો આવી ઘટનાઓની સંખ્યા અને પ્રમાણ ભયજનક સ્તરે પહોંચે તે પહેલાં તેને સખત હાથે અટકાવવી જોઇએ.
તેમણે વધુમાં કહ્યું કે ભૂતકાળની જેમ જો શિકારીઓની ટોળકીનો આમાં હાથ હોય તો આવી ટોળકીઓને ખુલ્લી પાડી તેમની ઉપર સખત હાથે કામ ચલાવવું જોઇએ. ગીરના એશિયાટિક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે. તેમનાં અકુદરતી મોતને કદાપિ સહન કરી શકાય નહિ, તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં નથવાણીએ ગીરના સિંહોના ખુલ્લા ત્યજી દેવાયેલા કૂવાઓમાં પડી જવાને લીધે થતાં અકસ્માત મોત રોકવા માટે ખુલ્લા કૂવાઓ ઉપર પાળા બાંધી આપવાના કાર્યમાં પહેલ કરી હતી. એટલું જ નહિ, તેમણે ગીરમાં રેલવેના પાટા ઉપર થતાં સિંહોનાં મોત અટકાવવા માટે વાડ બાંધવા કે અન્ડરપાસ તૈયાર કરવાની દરખાસ્ત પણ કરી હતી.
નથવાણીએ કહ્યું કે તમામ વન્યજીવ પ્રેમીઓએ ભેગા મળી આપણાં આ કિમતી પ્રાણીઓનાં અકુદરતી મોતની વિરૂદ્ધ અવાજ ઊઠાવવો જોઇએ. તેમણે રાજ્યના વન મંત્રી અને સંબદ્ધ અધિકારીઓને આ ઘટનાઓની યુદ્ધના ધોરણે તપાસ કરી સખ્ત પગલાં લેવા માટે પત્રો લખ્યા છે.