શેરબજાર ધડામ...: સેન્સેક્સ 1500 પોઇન્ટ પટકાયો

  • શેરબજાર ધડામ...: સેન્સેક્સ 1500 પોઇન્ટ પટકાયો

નિફ્ટી 11000 નીચે સરકી ગયો: નોટબંધી બાદ સૌથી મોટો કડાકો: ટૂંક સમયમાં જ રિકવરી કરી લેતાં હાશકારો
મુંબઇ તા.21
શેરબજારમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમ્યાન જોરદાર ઉથલ-પાથલ જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી તેજી સાથે ખૂલ્યા અને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં તેજી પણ દેખાઈ. પરંતુ અચાનક શું થયું કે સેન્સેક્સ અને નિફ્ટી બંને ધડામ કરતાં પછડાયા. એક સમયે સેન્સેકસમાં અંદાજે 1500 અંકનું ગાબડું પડી ગયું હતું, જે નોટબંધી બાદ સૌથી મોટો કડાકો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી પણ 11000ના આંકડાથી નીચે આવી ગઇ હતી. જો કે ટૂંક સમયમાં જ બજારે તેજી સાથે રિકવરી કરી લીધી.
હાલ હજુ ઘટાડાનું કોઇ કારણ સમજાઇ રહ્યું નથી. પરંતુ આ ઘટાડમાં સૌથી વધુ બેન્કિંગ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના શેર ઉંધા માથે પછડાયા. હાલ નિષ્ણાતોનું કહેવું છે કે શેર હોલ્ડરોએ ગભરાવાની જરૂર નથી. બજારમાં ઘટાડાના લીધે ડીએચએફએલનો શેર 50% અને યસ બેન્કનો શેર 30% સુધી તૂટી ગયા હતા. આ સિવાય અનેક શેરોમાં 20 થી 50 ટકા સુધીના
ગાબડાં પડી ગયા હતા અને નિફ્ટીએ પણ 11000નું લેવલ તોડી નાખ્યું હતું. જો કે ત્યારબાદ સાર્પ રિકવરી આવતાં સેન્સેક્સ 1000 પોઇન્ટ રિકવર થયો હતો. બપોરે પણ 450 પોઇન્ટ નીચે ટ્રેડ કરતો હતો.
યસ બેન્કના સીઇઓ રાણા કપૂરનો કાર્યકાળ સમય કરતાં પહેલાં ખત્મ કરવાના આરબીઆઈના નિર્ણયની બેન્કના શેરો પર ઘણી અસર પડી છે. કપૂર 31મી જાન્યુઆરી 2019ના રોજ રિટાયર થવાના હતા પરંતુ આરબીઆઈ તેમના 3 વર્ષના કાર્યકાળને સંપૂર્ણપણે રોકી દીધો છે.
કેન્દ્રીય બેન્કે આ કાર્યવાહીથી બેન્કિંગ સેકટરના મેનેજમેન્ટથી લઇ કેન્દ્ર સરકાર સુધ્ધાંને કડક સંદેશો આપ્યો છે. શુક્રવારના રોજ યસ બેન્કના શેરોમાં અંદાજે એક તૃત્યાંશ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આથી બેન્કની માર્કેટકેપમાં એક ઝાટકે 3 અબજ ડોલર એટલે કે અંદાજે 21700 કરોડ રૂપિયાનો ઘટાડો આવી ચૂકયો છે.
આપને જણાવી દઇએ કે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં આજે બજાર ગ્રીન ઝોનમાં ખૂલયું હતું. તેમાં બીએસઇની 30 કંપનીઓના શેર પર આધારિત સેન્સેક્સ 305.88 અંક એટલે કે 0.82 ટકાના સુધારા સાથે 37427 પર અને નિફ્ટી 84 અંકની તેજી સાથે 11318 પર ખૂલી હતી.