રોગોની માતા શરદઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું ?September 19, 2018

ચોમાસા પછીની શરદ ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. આ ઋતુમાં શ્રાદ્ધ પક્ષ, નવરાત્રિ, શરદપૂનમ આ બધાં તહેવારો આવી રહ્યાં છે. અલગ અલગ લાગતાં આ બધાં તહેવારોનો એક સામાન્ય સંબંધ છે - શરદઋતુમાં જ આ તહેવારો આવે છે. આ તહેવારોની પરંપરા પણ શરદઋતુમાં સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. આ ઋતુમાં જ વિવિધ પ્રકારના તાવ, શરદી, અમ્લપિત્ત, પેટમાં બળતરા, ચામડીના રોગો પણ જોવાં મળે છે. આયુર્વેદમાં એટલે જ આ શરદઋતુને રોગોની માતા કહેલ છે - ફળજ્ઞઉંળઞર્ળૈ યળફડિ પળટળએટલે જ આ ઋતુમાં ખાન-પાન અને જીવનશૈલીમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે.
શરદઋતુની પહેલાંની ઋતુ છે વર્ષાઋતુ. ચોમાસામાં શરીર ઠંડકથી ટેવાઈ ગયું હોય છે. આયુર્વેદ પ્રમાણે વર્ષાઋતુ પછી તરત જ શરદઋતુમાં સૂર્યના કિરણો દ્વારા તપેલાં મનુષ્ય શરીરોમાં વર્ષાકાળમાં સંચિત(એકઠું) થયેલું પિત્ત શરદઋતુમાં પ્રકુપિત(દૂષિત થઈને વધે) થઈ જાય છે. એટલે જ આ ઋતુમાં પિત્તનું શમન ન કરવામાં આવે તો વિવિધ વ્યાધિઓ જોવાં મળે છે. વળી, ચોમાસામાં કરેલ તીખાં, અજીર્ણકારક, દાહકારક, ખાટાં, ક્ષારીય પદાર્થોથી ગરમ પાણી આગને બુઝાવે છે તેમ પિત્તને લીધે પાચક અગ્નિ/ જઠરાગ્નિ મંદ થઈ જાય છે. એટલે આ શરદઋતુમાં ભરપેટ ભોજનને બદલે ભૂખ લાગે એટલું જ અને પિત્તશામક ભોજન કરવું જોઇએ.
: શરદઋતુમાં આહાર :
ચરકસંહિત્તામાં કહ્યું છે કે શરદઋતુમાં -
* મધુર, લઘુ (પચવામાં હલકું), શીતળ, તિકત (કડવું) ભોજન સારી રીતે ભૂખ લાગે ત્યારે ઉચિત માત્રામાં લેવું જોઈએ જેથી પિત્તનું શમન થઈ શકે.
* હાથછડના ચોખા, ઘઉં, જવ, કારેલાં, કંટોલા, પરવળ, વગેરેનું સેવન કરવું.
* દૂધ(ગાયનું), દૂધની સુપાચ્ય બનાવટો, ચોખા, મગ,વગેરનો ઉપયોગ વધારવો.
* ઘી પણ શ્રેષ્ઠ પિત્તશામક છે, પાચનશક્તિ અનુસાર ગાયના ઘીનો પણ ઉપયોગ કરવો.
* ખીર : શ્રાદ્ધપક્ષથી જ પરંપરાગતરૂપથી દૂધ-ચોખાની ખીર લેવાનું શરૂ થઈ જાય છે. ખીર પિત્તશામક છે. પણ ચોખાના ભાત અલગથી બનાવીને દૂધ સાથે બનાવવામાં આવે તે ખીર. દૂધમાં જ ચોખા પકવવામાં આવે એ દૂધપાક થાય જે પચવામાં ભારે છે. આ ઋતુમાં ખીર જરૂર લેવી.
* કેવળ દૂધ અથવા દૂધ અને ઘી પણ લઈ શકાય, શતાવરી, બ્રાહ્મી, શંખપુષ્પી, વગેરે ઔષધો નાંખેલું દૂધ પણ પી શકાય.
* શરદ પૂનમે દૂધ-પૌઆનું સેવન અવશ્ય કરવું. દૂધ અને પૌઆ થોડાં પચવામાં ભારે છે પણ શરદ પછીની હેમંત (શિયાળાની) ઋતુમાં ક્રમશ: જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત થતો હોય છે એટલે જ શરદઋતુના અંતે બળપ્રદ દૂધપૌંઆ ખાવાની પરંપરા આયુર્વેદ સમ્મત છે.
: શરદઋતુમાં વિશિષ્ટ જળ - હંસોદક :
સામાન્ય રીતે પીવામાં આવતાં પેય જળનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો શરદઋતુમાં ઘણાં રોગોથી બચી શકાય છે. આ વિશિષ્ટ જળને હંસોદક કહે છે. હંસોદક એટલે દિવસે સૂર્યનાં કિરણોથી તપેલું અને રાત્રે ચંદ્રમાની ચાંદનીથી શીતળ થયેલું - સમયનાં પરિપાકથી સુપક્વ અને નિર્દોષ જળને હંસોદક કહે છે. આ હંસોદક ચાંદની(શીત કિરણોના) ઉદયથી વિષરહિત થયેલ હોય છે. શરદઋતુનું આ જળ નિર્મળ અને પવિત્ર હોય છે. શરદઋતુમાં આ પાણીનો પ્રયોગ પીવા માટે, સ્નાન માટે અને અવગાહન કરવા માટે અમૃત સમાન હોય છે.
: શરદઋતુમાં યોગ્ય જીવનશૈલી :
નવરાત્રિ અને શરદપૂનમે રાસ-ગરબાની પ્રાચીન પરંપરા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. આયુર્વેદમાં આ વિશે સૂક્ષ્મ નિર્દેશ મળે છે કે, શરદઋતુમાં રાત્રિના પ્રથમ પ્રહરમાં ચંદ્રમાના કિરણોનું સેવન કરવું ઉત્તમ સ્વાસ્થ્યપ્રદ છે. આમ, રાત્રિના રાસ-ગરબા નિમિત્તે ચન્દ્રની શીતળ ચાંદની શારીરિક-માનસિક શાંતિ આપનાર અને પિત્ત પ્રશમન છે. જો કે, મોડી રાત સુધી જાગવાથી ઝાકળ પડે છે એ નુકસાનકારક છે અને પિત્તવર્ધક પણ છે. એટલે રાત્રિના પ્રથમ પ્રહરનું જ ચાંદનીનું સેવન કરવું.
શરદઋતુમાં ઉત્પન્ન થનારાં ફૂલોની માળા અને નિર્મલ વસ્ત્રો ધારણ કરવા પણ હિતકર છે.
: શરદઋતુમાં અતિ આવશ્યક પંચકર્મ - વિરેચન :
આયુર્વેદમાં શરદઋતુમાં તંદુરસ્ત રહેવા માટે વિરેચન - પંચકર્મ કરાવવાનો વિશેષ નિર્દેશ છે. ચરકસંહિત્તામાં કહ્યું છે કે, રુમફખણપ રુક્ષણ્ળવફળઞળપ એટલે કે, વિરેચન શ્રેષ્ઠ પિત્તહર છે. આ ઋતુમાં રોગી તેમજ સ્વસ્થ વ્યક્તિઓએ પણ વિરેચન અવશ્ય કરાવવું જોઈએ જેથી શરદઋતુમાં અને આવનારાં સમગ્ર વર્ષ દરમિયાન પિત્તની તકલીફોથી બચી શકાય. વધુમાં આ ઋતુમાં રક્તમોક્ષણ પણ કરાવવું જોઈએ. જેમાં વિશિષ્ટ પદ્ધતિ દ્વારા પિત્ત દૂષિત રક્તને કાઢી નાખવામાં આવે છે જેથી રક્તદુષ્ટિજન્ય રોગો નથી થતાં.
: શરદઋતુમાં ષડંગપાનીય પ્રયોગ :
શરદઋતુમાં જો પિત્તજ જવર (તાવ) આવે તો મુસ્તા (નગરમોથ), પર્પટક (પિત્ત પાપડો), ઉશીર (ખસ), ચંદન, ઉદીચ્ય (સુગંધી વાળો), નાગર (સૂંઠ) આ છ દ્રવ્યો સમભાગ લઈ યવકૂટ (જાડો ભૂકો) કરી તેનાં વજનથી 64 ગણાં પાણીમાં ધીમા તાપે પકાવીને અર્ધું બાકી રહે ઉતારી સ્વચ્છ કપડાંથી ગાળી લેવું. આ ષડંગપાનીય જળનો ઉપયોગ કરવાથી રોગીની તરસ અને તાવ પણ ઘટશે અને દોષોનું પાચન પણ થશે.
: શરદઋતુમાં આટલું ન કરવું :
* તડકામાં બહાર ન નીકળવું.
* ઝાકળથી બચવું.
* વધુ પડતો ચરબીયુક્ત, તેલ-ઘી વાળો ખોરાક ન લેવો.
* માંસાહાર પણ ન કરવો.
* ક્ષાર અને દહીં ન લેવાં.
* દિવસે સૂવું નહીં.
* પૂર્વદિશાનો પવન લેવાનું
ટાળવું.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ
કે યોગાભ્યાસ આયુર્વેદિક, યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો.)