ટેક્સચોરી કૌભાંડમાં RTO કમિશનરની બદલીSeptember 19, 2018

ભુજ તા.19
આરટીઓ કચેરીમાં આચરાયેલા ટેક્સ ચોરી કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. 297 ગાડીઓ ટેક્સ ભર્યા વગર બારોબાર પાસીંંગ થઈ ગઈ હતી. અને ત્યાર બાદ તેની ખાતાકિય તપાસ પણ ધીમી ગતિએ અને ઢીલી નીતિથી કરવામાં આવતા સરકાર દ્વારા આરટીઓ કમિશનરની બદલી કરવામાં આવી છે.
આરટીઓ કમિશનર આર.એમ જાદવને બદલીને સેટલમેન્ટ કમિશ્નર એન્ડ ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકર્ડમાં નિમણૂંક કરવામાં આવી છે. તેમની જગ્યાએ આરટીઓ કમિશનર તરીકે વી.પી પટેલને મુકવામાં આવ્યા છે. તેઓ અગાઉ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગના સચિવ પદે કાર્યરત હતા. ઉલ્લેખનિય છે કે, ભુજમાં આચરાયેલા આરટીઓ કૌંભાડ બાદ પોલીસ દ્વારા કમિશનર પાસેથી કેટલીક વિગતો માંગવામાં આવી હતી. જેમાં આરટીઓ ક્લાર્કના ચોરી થયેલા આઈડી પાસવર્ડનો ઉપયોગ કયા કોમ્પ્યુટરમાંથી થયો છે, તેના આઈપી એડ્રેસ માંગવામાં આવ્યા હતા. આ માહિતી છેલ્લા લાંબા સમયથી પોલીસને આપવામાં આવી ન હતી. આ ઉપરાંત અન્ય ખાતાકિય પગલા લેવામાં પણ આરટીઓ કમિશનર નબળા પુરવાર થતા અંતે સરકાર દ્વારા તેમની બદલી કરાઈ હોવાની ચર્ચાઓ જાગી. આ ઉપરાંત રાજયના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ગ્રામ વિકાસ
કમિશ્નર એસ.એમ. પટેલની રાજય ચૂંટણી આયોગમાં ઈલેકટ્રોરોલ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે તેમજ કુ. ભાર્ગવી દવેની ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે.