ઝાલાવાડના ગરીબ બાળકોને શિક્ષણ માટે વઢવાણમાં ગાંધીજીએ બંધાવી’તી ઘરશાળાOctober 02, 2018

સુરેન્દ્રનગર તા.ર
આજે 2જી ઓકટોબર એટલે કે, ગાંધી જયંતી ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબરના દિવસે પોરબંદરમાં થયો હતો. ભારતની આઝાદીમાં સૌથી મોટો ફાળો હોય તો તે મહાત્મા ગાંધીનો રહેલો છે. દેશ માટે અને દેશની આઝાદી માટે તેમણે અનેક સત્યાગ્રહ કર્યા, અનેક આંદોલનો કર્યા, અહિંસા પરમો ધર્મને આગળ રાખી અગ્રેજોના અત્યાચારોથી ભારતના લોકોને મુક્ત કર્યા. આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને સ્મરણ થઇ રહ્યું છે. નાનકડા એવા વઢવાણમાં ગાંધીજીએ ગરીબ વર્ગના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે ઘરશાળાનો પાયો નાખેલો.
સુરેન્દ્રનગર-વઢવાણ-જોરાવરનગર એમ 3 ગામોના ગરીબ વર્ગના બાળકોને 1920-1925ના સમયમાં શિક્ષણ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી ત્યારે ગાંધીજીને આ વાતની ખબર પડતાની સાથે ગાંધીજીએ હકીકત મેળવી અને અંતે 21/02/1925માં ગાંધીજી દ્વારા વઢવાણ મુકામે ઘરશાળાનો પાયો નાખવામાં આવ્યોે, જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ મળી રહે તે માટેનો હતો. આ ઘરશાળામાં હરિજન, દગાસિયા, બક્ષીપંચ, વાલ્મિકી, ચમાર વગેરે જેવા વર્ણના બાળકો અભ્યાસ માટે આવતા હતા. હાલ શાળા બંધ હાલતમાં
ગાંધીજીએ ઘરશાળાની સ્થાપનાને આજે લગભગ 93 વર્ષ થઈ ગયા છે. આજે આ ઘરશાળામાં કોઈપણ બાળકો અભ્યાસ માટે આવતા નથી. આજે ગાંધીજી દ્વારા ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગાંધીજી સાથે 1925માં સ્થપાયેલી ઘરશાળા હાલ એના વર્ગખંડો પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.
ગાંધી સ્મારક વિકસાવવાની જરૂરત
આ એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંધીજીના હસ્તે બંધાવેલ શાળા છે ત્યારે સુરેન્દ્રનગરના અનેક બાળકો અભ્યાસ કરી શકે તેવી આ શાળામાં વ્યવસ્થા છે. વિશાળ જગ્યા ઘરશાળા પાસે આવેલી છે છતાં તંત્રની બેદરકારીના અભાવે આ શાળા હાલમાં નિમ્ન વિકસિત સ્વરૂપે છે તો સત્વરે આ સ્કૂલ વધુને વધુ વિકસિત થાય તો સુરેન્દ્રનગર જિલ્લાના અને આજુબાજુના ગામ વઢવાણ અને જોરાવરનગર એમ બંને ગામોના વિદ્યાર્થીઓને લાભ થાય. છેલ્લેે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે આ સ્કૂલને સમારકામના લાભાર્થે 1,50,000
(એક લાખ પચાસ હજાર) પોતાની ગ્રાન્ટમાંથી ફાળવ્યા હતા, ત્યારબાદ કોઈ નેતાએ આ સ્કૂલ સામે જોયું પણ નથી. શું હવે જોવું રહ્યું કે, આ ગાંધીજી દ્વારા સ્થપાયેલ ઘરશાળા ફરી એકવાર ધમધમતી બનશે કે કેમ. સુરેન્દ્રનગર અને વઢવાણના બાળકોને શિક્ષણની સુવિધાના લાભાર્થે આ શાળા વધુને વધુ વિકસિત કરાય તેવી માંગ સુરેન્દ્રનગરવાસીઓમાં ઉઠી છે.