જુગ જુગ જીવો ગુરુવર

24 તીર્થંકરોએ જગાવેલી જૈન ધર્મની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખવામાં અર્વાચીન યુગના મુનિ ભગવંતોનું પ્રદાન અતુલનીય છે. જિન શાસનના આવા
જ એક દીપરક્ષક એટલે પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ. રાજકોટના પુણ્ય પ્રતાપે આ વર્ષનું ચાતુર્માસ આ ધન્ય ધરા પર છે અને આ દરમિયાન જ તેમના 48મા જન્મમહોત્સવની ઉજવણી પણ થઇ અને સંતોને તો જન્મદિન શું હોય? પરંતુ ભાવિકો પોતાના ભાવ અને એમના ઋણ સ્વીકારની સોનેરી તક ઓછી જવા દે? આ તકે રાજકોટના હેતાળ અને સ્નેહાળ જૈન સમાજ વતી ‘ગુજરાત મિરર’ કરી રહ્યું છે એમની ભાવ વંદના..... પૂ.ગુરુદેવ વિશે અગણિત વાતો લોકો જાણે છે અને છતાં પોતાના ગુરુદેવ વિશે જાણવાની ભાવિકોમાં ઉત્કંઠા હોય
છે અને એટલે જ આ માનવતા મહોત્સવ સ્પેશિયલ પૂર્તિમાં પૂ.ગુરુદેવની અજાણી પરંતુ રસપ્રદ વાતો કહેવાનો ગુજરાત મિરરે પ્રયાસ કર્યો છે.   જૈન શાસન પ્રભાવક યુગ દિવાકર, જે શાસનના અજવાળા ચારે તરફ ફેલાવી રહ્યા છે. અબાલ વૃધ્ધ સહુ કોઇને જે ધર્મના રંગોથી ભીંજવી રહ્યા છે એવા યુગ દિવાકર, રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના 48માં જન્મોત્સવને માનવતા મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તેમણે ધર્મ, આધ્યાત્મ, ઉચ્ચ અભ્યાસ પામેલાને દીક્ષા, દેશની સમસ્યા વગેરે વિષયો પર ખાસ ‘ગુજરાત મિરર’ સાથે વાતચીત કરી હતી. હાલ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો આ મહોત્સવમાં હાજરી આપવા ઉપસ્થિત રહ્યા છે ત્યારે રોયલ પાર્ક ઉપાશ્રયના મુખ્ય હોલ મધ્યે અનેક ભક્તોની હાજરીમાં આપેલ આ ખાસ મુલાકાત પ્રસ્તુત છે.
પ્રશ્ર્ન : કુમાર મહાવીરથી રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા. સુધીની યાત્રા વિશે શું કહેશો ?
પૂ.ગુરુદેવ : જ્યારે કુમાર મહાવીર હતા ત્યારે પણ નિયતિ નક્કી જ હતી કે એક દિવસ અમે મહાવીરના પથ પર ચાલવાના છીએ એટલે જ બહુ નાની ઉંમરમાં સંસાર ત્યાગના ભાવો થયા અમને પ્રભુના પ્રવચનો સાંભળવા ગમતા પણ એ સમયે સમજાતું નહતું જે હવે સમજાય છે મહાવીરથી રાષ્ટ્રસંત નમ્રમુનિ આ ખાલી લેબલ છે પણ પાસ્ટના જન્મોજન્મનું કંઇક મારું કનેકશન હશે અને એટલે જ ત્યારનું અધુરું અત્યારે આગળ વધારવા માટે આ યાત્રાનો આરંભ કર્યો છે અને એટલે જ આ આત્મયાત્રા છે.
પ્રશ્ર્ન : ધર્મ અને આધ્યાત્મમાં શું ફેર છે ? ધ્યાન અને આત્મામાં માનતા સંપ્રદાય તરફ લોકો આકર્ષાય છે જ્યારે ધર્મ તરફ લોકોને ઓછી રૂચિ હોય છે?
પૂ.ગુરુદેવ : બહુ સિમ્પલ વાત છે. દરેક વ્યકિત ધર્મ કે આધ્યાત્મના ક્ષેત્રમાં કેમ આવી ? એની પાછળ પોતાનો કયાંક એનો સ્વાર્થ રહેલો છે એ સ્વાર્થ છે શાંતિનો, સ્વાર્થ છે સમાધિનો કે આત્મશુધ્ધિનો કે આત્મપ્રાપ્તિનો. જેને જે દિશામાં પોતાની ભાવના પરીપૂર્ણ કરવાનો ચાન્સ મળે છે તેને તે દિશામાં જવાનો ભાવ વધુ જાગે છે.
ધાર્મિકતાના પગથિયા ચડયા વગર કયારેય આધ્યાત્મિકતાના શિખર પર પહોંચી શકાતું જ નથી. આધ્યાત્મિકતા શિખર છે. આત્મશુધ્ધિ એ જ આધ્યાત્મિકતા કહેવાય છે અને આત્મશુધ્ધિ સુધી ધર્મના પગથિયાથી જ પહોંચી શકાય છ.ે
પ્રશ્ર્ન : આજે દરેક ક્ષેત્રમાં લોકો પારાવાર સમસ્યાઓ અનુભવી રહ્યા છે તો ધર્મ તેમાં કઇ રીતે મદદરૂપ થઇ શકે ?
પૂ.ગુરુદેવ : જ્યાં સત્ય હોય છે ત્યાં દરેક સમસ્યાનું સમાધાન હોય છે. જ્યાં અહિંસા હોય છે ત્યાં દરેક સવાલોના સમાધાન હોય છે એટલે જ ગાંધીજીએ સત્ય અને અહિંસાનો રાહ લીધો. દેશની કોઇપણ સમસ્યા હોય સત્ય અને અહિંસાનો રાહ અપનાવવામાં આવે તો એ સમસ્યાનું સમાધાન મળ્યા વગર ન જ રહે અને એટલે જ અમે એવું માનીએ છીએ કે સત્ય અને અહિંસા ધર્મનું સ્વરૂપ છે.
પ્રશ્ર્ન : આજે સર્વ સામાન્ય ફરિયાદ છે કે યુવાનો ધર્મથી વિમુખ થતા જાય છે જ્યારે આપના પ્રવચનમાં સૌથી વધુ સંખ્યા યુવાનોની હોય છે તેની પાછળ શું રહસ્ય છે.
પૂ.ગુરુદેવ : (હાસ્ય સાથે) એની પાછળનું એક સિક્રેટ છે કે મોટાભાગના સંતો લોકોને પોતાને જે આપવું હોય એ આપે છે જ્યારે અમે સામેવાળાને જે લેવું હોય તે આપીએ છીએ ફર્ક માત્ર એટલો જ છે કે અમે ઇચ્છીએ છીએ કે યુવાનોને શું જોઇએ છે એ વિચારી અમે આપીએ છીએ. યુવાનોને શું આપવું જોઇએ ? જો એવું વિચારશું તો અમે ફેઇલ જઇશું એના બદલે કઇ દિશાનું જ્ઞાન, સમાધાન, માર્ગદર્શન જોઇએ છે એ આપવાથી શરૂઆત કરશું તો એમના મનનું સમાધાન મળશે. એમને સમાધિ મળશે અને એમને મળતી સમાધિના આધાર પર તે ધર્મક્ષેત્રમાં આગળ વધશે અને એટલે જ મારે એટલું જ કહેવું છે કે આપણે શું સમજીએ છીએ એ સામેવાળાને સમજાવવા કરતા સામેવાળાને શું સમજવું છે એ સમજાવીએ તો સફળ થઇ જઇએ અનેે આજ અમારું સિક્રેટ છે.
પ્રશ્ર્ન : દરેક ધર્મ સત્ય અને અહિંસાનો માર્ગ દેખાડે છે છતાં એ જ ધર્મને લઇને ઝઘડા ઉભા થાય છે તો એનો શું ઉપાય ?
પૂ.ગુરુદેવ : અમારું એક જ કલીઅર વિઝન છે ધર્મ એટલે આત્મશુધ્ધિ અને આત્મશુધ્ધિના માર્ગ પર જે કંઇ પણ વિધિ, વિધાન, ક્રિયા વ્યવસ્થા જે પણ કરવામાં આવે છે એને ધર્મનું નામ આપવામાં આવે છે. અનેકાંત વાદ ભગવાન મહાવીરનો સિધ્ધાંત છે. આમ પણ હોઇ શકે અને તેમ પણ હોઇ શકે. અનેકાંત વાદ હોય ત્યાં વિવાદ ન હોય શકે જ્યાં વિવાદ હોય ત્યાં એકાંતવાદ હોય. એટલે જેટલા પણ ધર્મના નામે યુધ્ધ થઇ રહ્યા છે તે એકાંતવાદના નામે થઇ રહ્યા છે અનેકાંતવાદ આવી જાય તો તમામ યુધ્ધ
શાંત થઇ જાય.
પ્રશ્ર્ન : ડોક્ટર, એન્જિનિયર અને ઉચ્ચ
ડિગ્રી પ્રાપ્ત કરનારને દીક્ષા આપવા પાછળ
તમારું શું વિઝન છે?
પૂ. ગુરુદેવ : ખેડૂત હંમેશા શ્રેષ્ઠ બિયારણ વાવે કે નબળુ બિયારણ વાવે? અને જ્યારે શ્રેષ્ઠ બિયારણ વાવવામાં આવે ત્યારે શ્રેષ્ઠ પાક ઉગતો હોય છે. વેલ એજ્યુકેટ વ્યક્તિ જ્યારે સંયમના માર્ગ પર આવે છે ત્યારે હજારો, લાખોને પ્રેરણા આપી શકે, એવું સત્ત્વ ખીલતું હોય છે, સમજણ ખીલતી હોય છે. કોઇના દુ:ખને ટેમ્પરરી સોલ્યુશન આપવા એ માનવતા છે અને પરમેનેન્ટ સોલ્યુશન આપવું એ મહામાનવતા છે જે એજ્યુકેટેડ દીક્ષા લઇ રહ્યા છે એ મહામાનવતાની દિશામાં જઇ રહ્યા છે હવે તમે એને કઇ રીતે મુલવશો? યોગ્ય કે અયોગ્ય? તેમના જન્મોત્સવે માનવતાના અનેક કાર્યો થાય અને આ માનવસેવાની જ્યોત અખંડ રહે કે યુગદિવાકર આપનું સ્વાસ્થ્ય જળવાઇ રહે દીર્ઘાયુ પામી અનેક આત્માનું કલ્યાણ કરતા રહો એવી ‘ગુજરાત મિરર’ તરફથી ખુબ ખુબ શુભેચ્છા.... તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ સ્વયં જ્ઞાનજ્યોતિ હતા: પૂજ્ય નમ્રમૂનિ
તપસમ્રાટ પૂજય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબ એક સિધ્ધપુરૂષ હતા એમના ચરણમાં આવ્યા પછી, એમના અંગુઠાનો સ્પર્શ કર્યા પછી આટલા વર્ષોમાં કોઇપણ પ્રકારનું પુસ્તક વાંચવાની જરૂર પડતી નથી. કેમ કે એ સ્વયં જ્ઞાનજ્યોતિ હતા અને જ્ઞાનજ્યોતિનો સ્પર્શ થવા માત્રથી જ એ જ્ઞાનનો વિકાસ થવા લાગે છે એ સ્વયં તપ સમ્રાટ હતા, સિધ્ધિઓ તેમને પ્રાપ્ત હતી અનેક અનુભવો નજર સામે જ જોયા હતા કે કેટલાય દર્દીઓ એમની પાસે આવતા તેમનો હાથ ઉંચો થાય અને સામેવાળાનું દર્દ મટી જતું હતું. તપસમ્રાટ પોતે માત્ર જ્ઞાન સિધ્ધિવાળા હતા, ધ્યાન સિધ્ધિવાળા હતા આત્મસિધ્ધિવાળા હતા, કરૂણાવાળા હતા, સર્વનું દુ:ખ દૂર કરનાર હતા. ઉવસગ્ગહરં સ્તોત્ર એ પરમાત્માને પોકાર છે: પૂજ્ય નમ્રમુનિ
એક ર્માં બાળકની સામે હોય અને બાળક એને જેવું ‘ર્માં’નો પોકાર કરે તો ‘ર્માં’ એના માટે સમય ન જુએ એના માટે બીજો વિચાર ન કરે પરંતુ એનો જે પોકાર હોય એની સામે જુએ એની પાસે જાય, તેને સાંભળે અને તેની સંભાળ લે એ જ રીતે ઉવસગ્ગહરં સ્તોત્ર એટલે પરમાત્માને પોકાર છે. એક બાળક બની જ્યારે પરમાત્માને પોકાર કરીએ છીએ ત્યારે ઓટોમેટીક આપણા ઉ5ર પરમાત્માની એવી કૃપાદ્રષ્ટિ પડે છે કે આપણે ધર્મ કરવો નથી પડતો.