બધું જ ચોરાઈ શકે, પણ આપણો તેજ નહિSeptember 26, 2018

શંકર અને માનવ નાનપણના મિત્ર હતા. સાથે મોટા થયા, સાથે રમતા અને સાથે જ પોતાની ચાલીનાં બધાં જ બાળકોની જેમ ગણપતિની મોટી ઊંચી મૂર્તિ બનાવતા શીખ્યા. માનવને પહેલેથી જ મૂર્તિ બનાવવી બહુ ગમતી. જાણે ઈશ્ર્વરનું ઘડતર કરી રહ્યો હોય, એવી શ્રદ્ધાથી દરેક મૂર્તિ બનાવે. એની મૂર્તિ બધાં જ વખાણે. એની મૂર્તિ લેવાં લોકો ક્યાંય-ક્યાંયથી આવે. માનવને પ્રશંસાનો લોભ ન હતો, એને તો બસ એનું કામ શ્રદ્ધા અને સત્યનિષ્ઠાથી કરવામાં રસ હતો.
શંકર પણ દર વર્ષે ગણપતિની સુંદર મૂર્તિ બનાવે અને વેંચે. છતાંયે કાયમી અસંતોષમાં જ રહે. માનવ જેવી પ્રશંસા એને ક્યાં મળતી? એ તો એક સામાન્ય મૂર્તિકાર હતો!
માનવની મૂલ્યવૃદ્ધિ એને ક્યાંક ખટકતી. એને પણ માનવની જેમ ઈશ્ર્વરીય મૂર્તિ બનાવવી હતી. પણ કેવી રીતે? એને માનવને પૂછ્યું. માનવે પોતાના બાળપણના મિત્ર સાથે પોતાનું બધું જ જ્ઞાન વહેંચી દીધું! કેવી રીતે મૂર્તિ બનાવ્યાં પહેલા એ રેખાચિત્ર બનાવે, પછી મૂર્તિનો રંગ અને શણગાર મનમાં નક્કી કરે અને મૂર્તિ ઘડતી વખતે મૂર્તિમાં જીવંતતા રેડી દેવાનો પ્રયત્ન કરે. દરેક પગલું શંકરને સમજાવ્યું; પોતાના વર્ષોનો અનુભવ અને સમર્પણ જાણે એક પળમાં શંકરને સોંપી દીધો.
શંકરે બધું જ ધ્યાનથી સાંભળ્યું. હર્ષતિરેક સાથે એને મૂર્તિ બનાવવાનું ચાલું કર્યું. માનવે શીખવેલા દરેક નિયમનું પાલન કર્યું. રેખાચિત્ર બનાવ્યું, રંગ અને શણગાર નક્કી કર્યા અને પછી જીવંત લાગે એવા ભાવથી મૂર્તિ બનાવી.
માનવે પણ પોતાનું કામ ચાલું રાખ્યું. એને પણ દર વર્ષની જેમ સંપૂર્ણ શ્રદ્ધા સાથે ગણપતિ દાદાને ઘડ્યાં. આ વખતે પણ એની મૂર્તિની ખૂબ વાહ-વાહ થઈ. અને એના ગણપતિ મુંબઈના લાલબાગના રાજા બન્યાં!
શંકર અકળાયો. ક્યાં ખોટો પડ્યો તે એને ન સમજાયું. માનવે એની સાથે દગો કર્યો હશે. કંઈક તો નહિ જ શીખવાડ્યું હોય. તો જ આમ થાય ને! એ માનવ સાથે ઝઘડ્યો. દોસ્તી તોડી નાખી. માનવ પર સાચા દોસ્ત ન હોવાનો આક્ષેપ મૂક્યો. એ દિવસ પછી માનવ અને શંકર ક્યારેય સાથે ન દેખાતા. ગણપતિ વિસર્જનમાં જાણે મૈત્રીનું વિસર્જન થઈ ગયું!
હવે આપણને પ્રશ્ર્ન એમ થાય કે માનવે શું ન શીખવાડ્યું? શંકર, માનવની જેમ મૂર્તિ કેમ ન બનાવી શક્યો?
આનો એક જ જવાબ છે - શંકર, માનવ નથી.
માનવે એ બધી જ રીત આપી દીધી, પણ કળા કેમની આપે? શ્રદ્ધા કેમની આપે? પરાકાષ્ટા કેમની આપે? નૈપુણ્ય ક્યાંથી આપે?
શંકરે બધાં જ રંગ અને શણગારની નકલ કરી, પણ માનવના કૌશલની નકલ કેમની કરે? જે શીખેલું, જે અનુભવથી મેળવેલું એ તો માનવે સહજ આપી દીધું. પણ માનવની અંદરની શ્રદ્ધા અને સત્યનિષ્ઠાની રોશની કેમની આપે?
એટલે વાત એમ છે કે ગમે તેટલી કોઈ આપણી નકલ કરે, ગમે તેટલું આપણી પાસેથી શીખી જાય, પણ જે તેજ આપણને આપણી આગવી ઓળખ આપે છે એ તેજ ક્યારેય કોઈ નથી લઈ શકવાનું. સોશ્યલ મીડિયાના આ જમાનામાં સાહિત્યિકવાદથી ભાગવનો અથવા ડરવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ શીખેલો અને ઘડેલો અનુભવનો શણગાર તો જરી જેવો છે; સાચી ચમક તો આપણાં આંતરીય પ્રકાશની જ છે!