ડેન્ગ્યુ તાવ - જાણકારી અને આયુર્વેદિક દૃષ્ટિકોણ

  • ડેન્ગ્યુ તાવ - જાણકારી અને આયુર્વેદિક દૃષ્ટિકોણ
  • ડેન્ગ્યુ તાવ - જાણકારી અને આયુર્વેદિક દૃષ્ટિકોણ

ઋતુ અનુસાર આવતાં પરિવર્તન અબાલ-વૃદ્ધ સૌને અસર કરે છે. ભાદરવા મહિનામાં વિવિધ પ્રકારના તાવનો સામનો કરવો પડે છે. સુશીલકુમાર આવાં જ એક તાવ ડેંગ્યુનો હમણાં જ ભોગ બનીને આયુર્વેદિક ઉપચાર માટે આવેલાં. તેમનો તાવ તો દૂર થયો હતો પણ શરીર-મનનું આંતરિક સંતુલન ખોરવાઇ ગયું હતું. એમને આયુર્વેદ જરૂર સહાયક બનશે એવી શ્રદ્ધા હતી. આયુર્વેદ ઉપચારો કરવામાં આવ્યાં અને એમની રોગપ્રતિકારક શક્તિ તથા આંતરિક સંતુલન વધે એ માટે અનુકૂળ ઔષધિઓ પણ આપવામાં આવી.
એડિસ ઇજિપ્તિ નામનાં મચ્છર દ્વારા એક થી બીજી વ્યક્તિમાં ડેન્ગ્યુ ફેલાય છે. કૂંડા, ટાયર, કૂલર, ફ્રીઝ, વગેરેમાં ભરેલાં ખુલ્લા પાણી આ મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન છે. ચોમાસાં આસપાસનું વાતાવરણ તેને વિશેષ અનુકૂળ આવે છે. વધુમાં ઇન્ફેકટેડ રક્ત, પ્લાઝમા અને સીરમના ઇન્જેક્શન દ્વારા પણ ડેન્ગ્યુ મનુષ્યને અસર કરી
શકે છે.
: ડેન્ગ્યુના લક્ષણો :
* ખૂબ વધારે તાવ આવવો (લગભગ 104જ્ઞઋ)
* હાડકાં, સાંધા અને સ્નાયુઓમાં દુ:ખાવો થવો અને સોજા આવવા
* માથાનો દુ:ખાવો
* આંખોમાં દુ:ખાવો
* ભૂખ ન લાગવી
* ઉબકા - ઉલટી થવાં
* તાવ આવ્યા પછીનાં 3-4દિવસ પછી પગમાં રેશીસ થવાં
: જો લક્ષણોની તીવ્રતા વધુ હોય તો આ લક્ષણો પણ જોવાં મળે છે :
નાક અને મોંમાંથી રક્તસ્ત્રાવ થવો
પેટમાં સખત દુ:ખાવો થવો
લીવર, ફેફસાં અને હૃદયને નુકશાન થવું.
ડેન્ગ્યુ વાઇરસ શરીરની નવાં પ્લેટલેટ્સ પેદા કરવાની ક્ષમતાનો નાશ કરે છે. સામાન્ય વ્યક્તિમાં પ્લેટલેટ્સ 1.5 થી 2.5 લાખ હોય છે જયારે ડેન્ગ્યુના રોગીમાં તે ઘટવા લાગે છે અને 1 લાખથી નીચે જાય તો તરત જ તબીબી સારવાર જરૂરી છે.
: ડેન્ગ્યુ આયુર્વેદિક દૃષ્ટિકોણ :
આયુર્વેદ પ્રમાણે ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં મુખ્યત્વે વાયુ અને પિત્તની દુષ્ટિ જોવાં મળે છે. જઠરાગ્નિમાંદ્યનાં કારણે આમની ઉત્પત્તિ થવાથી આ ઇન્ફેક્શન વધુ ઝડપથી અસર કરે છે. જેમાં દૂષિત વાયુ અને પિત્તનાં લક્ષણો જોવાં મળે છે. વૃદ્ધિગત વાયુનાં કારણે સાંધા અને સ્નાયુઓમાં દુ:ખાવો થાય છે જ્યારે પિત્તનાં કારણે વિવિધ પ્રકારના રક્તસ્ત્રાવ જોવાં મળે છે. આયુર્વેદમાં ડેંગ્યુને દંડક જવર પણ કહેવામાં આવે છે.
: ડેંગ્યુમાં હિતકર આહાર :
* ભાતની કાંજી, એકદમ ગળેલી ભાતની ખીચડી (રોગીની સ્થિતિ અનુસાર આદુ-લીંબુ નાખવું)
* તુલસી, આદુ, તજનો ઉકાળો
* તીખું, તળેલું ભોજન ન લેવું.
: ડેંગ્યુમાં ઉપયોગી આયુર્વેદિક ઔષધો :
ધાણા(કોથમીર), આમળાં, પુનરનવા, ગળો, તુલસી, મેથી, દાડમ, ધતુરા, પપૈયાના પાન, સૂંઠ, જવારાનો રસ, ચ્યવનપ્રાશ, સુદર્શન ઘનવટી, વગેરે આયુર્વેદિક ઔષધિઓ ડેંગ્યુમાં ઉપયોગી છે.