જામનગરમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ: બે દર્દી સારવારમાંSeptember 25, 2018


જામનગર તા.25
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાના કારણે તાવ - શરદી - ઉધરસ સહિતની બિમારીના કેસમાં વધારો થતો જાય છે. જામનગરની જી.જી.હોસ્પીટલમાં આજે વધુ એક મહિલા દર્દીને સ્વાઇન ફલુ પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવતા દોડધામ થઇ છે. જામનગરની જી.જી.હોસ્પીટલમાં હાલમાં ત્રણ દર્દીઓ સ્વાઇન ફુલની સારવાર લઇ રહ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો છે તાજેતરમાંજ જામનગર શહેર ઉપરાંત પોરબંદર અને કલ્યાણપુરના ત્રણ દર્દીઓને સ્વાઇન ફલુ પોઝીટીવ થઇજતા જામનગરની જી.જી.હોસ્પીટલમાં સ્પેશીયલ વોર્ડમાં દાખલ કરાયા હતા જે પૈકી એક દર્દીની તબીયતમાં સુધારો થતા રજા અપાઇ છે જયારે અન્ય બે દર્દીઓ સારવાર હેઠળ છે દરમ્યાન આજે સ્વાઇન ફલુ પોઝીટીવનો વધુ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે.
શહેરના શાક માર્કેટ વિસ્ટારમાં રહેતી એક મહિલાને બીમારીના કારણે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી જેના લોહીના નમુનાઓ લેવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ આવતા તેણીનો સ્વાઇન ફલુ પોઝીટીવનો રીપોર્ટ આવ્યો છે જેથી મહિલા દર્દીને તાબડ તોબ સ્વાઇન ફલુના સ્પેશીયલ વોર્ડમાં ખસેડવામાં આવી છે. આ ઉપરાંત બે દર્દીઓને જી.જી.હોસ્પીટલમાં દાખલ કરાયા પછી તેઓના નમુનાઓ ચકાસવામાં આવતા બંનેના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક દર્દીનો ડેન્ગ્યુ પોઝીટીવ અને એક દર્દીનકે મેલેરીયો પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે જામનગરના આરોગ્ય તંત્ર દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં આરોગ્ય વિષયક કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે.