બે જ વર્ષની ઉંમરે મેદાનમાં એન્ટ્રી કરી દાંડિયા ક્વીન બની ગાર્વિન પટેલSeptember 25, 2018

ધોરાજીમાં રાસોત્સવમાં ગાર્વિન સાથે કોઇ રમવા તૈયાર ન હતું, કારણ.... ગાર્વિને દાંડિયા ઉપરાંત ઓરકેસ્ટ્રામાં ડ્રમ અને ડીજે વગાડી ઉભી કરી અલગ ઓળખ.... પોતાના ક્લાસીસમાં વેસ્ટર્ન ખીચડી અડકો દડકો, સરકીટ, રંગલો રંગલી, સાયકલ અને રીક્ષાના પોતાના અલગ સ્ટેપ્સ શીખવે છે   નવરાત્રીના ડાંડિયા રાસમાં એક રાઉન્ડ પૂરો થાય છે બ્રેક પડે છે બે વર્ષની નાનકડી બાળા દોડીને મમ્મી પાસે આવે છે નાસ્તો કરીને મમ્મીના ખોળામાં સૂઇ જાય છે. ફરી રાઉન્ડ શરુ થતા ઉઠીને રમવા લાગે છે બધાં જ મોટા લોકો વચ્ચે આ નાની બાળાના સ્ટેપ લોકો રસપૂર્વક નિહાળતા રહે છે. એ સમયે કોઇને ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં આ બાળા ગરબામાં પોતાનું અલગ નામ બનાવશે આ 2 વર્ષની બાળા એટલે ધોરાજીના ગાર્વિન પટેલ. મૂળ ધોરાજીના આરટીઓ એજન્ટ સીયુ પટેલ અને રમાબેન પટેલને બે પુત્રીઓ લીઝા અને ગાર્વિન પટેલ. ‘દીકરો દીકરી એક સમાન’ ગણતા પિતાજીએ બંને પુત્રીઓને પાંખો તો આપી પરંતુ સાથે ઉડવા માટે આકાશ પણ પૂરુ પાડ્યુ દીકરીઓ દીકરાથી જરાય કમ નથી એવું ફક્ત વિચાર જ નહીં પણ તેનો અમલ કરી સમાજને ઉત્તમ ઉદાહરણ આપ્યુ ગાર્વિન એટલે સ્વર્ગના એક ફૂલનું નામ, ધી ફ્લાવર ઓફ હેવન. બંને પુત્રીઓના ફક્ત અલગ નામ જ આપ્યા ‘એવું નથી અલગ વિચારવાની શક્તિ અને વાતાવરણ પણ આપ્યું અને એટલે જ આજે ગાર્વિન પોતે જે કંઇ છે તેનો યશ માતા-પિતાને આપે છે.
2 વર્ષની વયથી રમવાની શરુઆત કરનાર ગાર્વિન અત્યાર સુધીમાં અનેક કોમ્પીટીશનમાં વિજેતા બની 157 મેડલ્સ જીત્યા છે. જેમાં પ્રિન્સેસ, ક્વીન અને ટોપ ઓફ ધ ટોપ બન્યા છે. પાંચ જેટલી બાઇક, ગોલ્ડ ચેઇન, એલસીડી, ગોલ્ડ ચેઇન જેવા અનેક ઇનામો જીત્યા છે. અને એટલે જ જ્યાં ગાર્વિન રમે ત્યાં બીજા કોઇ વિજેતા થતા નથી એટલે અમુક લોકો એ જગ્યાએ રમવા જવાનું જ ટાળે છે અને એક સમય એવો પણ આવ્યો કે આયોજકો પણ તેને પોતાના ગૃપમાં રમાડવા તૈયાર નહોતા ઉપરાંત ગ્રુપમાં પણ તેની સાથે કોઇ રમતું નહીં કારણ ગાર્વિન હોય તો તેની પ્રતિભા નીચે તેઓ ઢંકાઇ જતા અને એટલે જ ગાર્વિન રાજકોટ, ગોંડલ, જુનાગઢ, પોરબંદર, અમદાવાદ વગેરે જગ્યાએ રમવા જવા લાગ્યા અને છેલ્લા 8 વર્ષથી રાજકોટ રમવા આવે છે અને એ પંદર દિવસ દરમિયાન રાજકોટમાં જ ઘર વસાવીને રહે છે. કંઇક જુદુ કરવાનો સ્વભાવ ગાર્વિનને ઝંપીને બેસવા નથી દેતો. ગરબામાં નવા સ્ટેપ શીખવા સાથે તેમણે પોતાનું મ્યુઝિક બેન્ડ બનાવ્યુ છે. જેમાં પોતે ડ્રમ વગાડે છે. સમગ્ર બેન્ડમાં પુરુષો વચ્ચે જોરદાર ડ્રમ વગાડતા ગાર્વિનને સાંભળવા અને જોવા એક લ્હાવો છે. ડ્રમ વગાડ્યા બાદ હાલ કોન્સોલમાં પોતાની જાતે જ એરેન્જમેન્ટ કરીને ડીજે પ્લે પણ કરે છે.
પોતાના દરેક કાર્યમાં માતા-પિતાના સહકારને આશીર્વાદ હોય છે અને એટલે જ ગાર્વિનનો કોન્ફીડન્સ સાતમા આસમાને છે. ગાર્વિનને હજુ ઘણું કરવું છે અને એટલે જ જીવનસાથી તરીકે પોતાને અને પોતાની કલાને સમજી શકે એવી વ્યક્તિ ઇચ્છે છે ગાર્વિનને તેના ઉજ્જવળ અને સોનેરી ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા.