એક નુર આદમી... હજાર નુર કપડા... દસ હજાર નુર ઘરેણાSeptember 25, 2018

નવલા નોરતામાં રંગબેરંગી પોષાક અને ચમકતા આભુષણમાં ગરબા રમવાની મજા અલગ જ હોય છે. ટ્રેડીશ્નલ પોશાક સાથે જો યોગ્ય આભુષણ ન હોય તો અધુરૂ લાગે છે. અને એટલે જ નવરાત્રીનો પ્રારંભ થાય તે પહેલા જ ખેલૈયાઓ કયા ડ્રેસ સાથે ક્યા આભુષણો પહેરવા તેની તૈયારીમાં લાગી જાય છે.
પરંપરાગત પોષાક સાથે કલરફુલ અને હેવી દેખાતા આભુષણોનો ટ્રેન્ડ આજે પણ છે. નોર્મલી વેસ્ટર્ન આઉટફીટમાં દેખાતા યંગસ્ટર્સ પણ નોરતાની નવલી રાતોમાં પરંપરાગત પોશાકમાં સજજ હોય છે. દર વર્ષ નવરાત્રીમાં અલગ દેખાવા દરેક નવા પોશાક સાથે આધુનિક ઓર્નામેન્ટસ પસંદ કરે છે. આ વર્ષની નવરાત્રીની ફેશન વિશે જણાવતા રાજેશ્ર્વરીબેન વાઘેલાએ જણાવ્યું કે આ વર્ષે નવા ફેશન ટ્રેન્ડમાં ઓક્સોડાઇઝ જવેલરી સાથે ઉનના દોરાનું વર્ક તેમજ ઉનના વર્ક કરેલા પેચીઝનો ઉપયોગ વધુ થાય છે. પોમ પોમ ઝવેલરી પણ ફેશનમાં ઇન છે. આ ઉપરાંત કચ્છી વર્ક કરેલા પેચીઝની ડિઝાઇનમાં મોર, પોપટ, ચકલા, હાથી વગેરે એક નવો જ લુક ઉભો કરે છે. આ જવેલરીમાં જુદા જુદા બ્રાઇટ કલર્સ પણ હોય છે. તેથી ચણિયા ચોલી સાથે મેચિંગ કરવામાં પણ સરળતા રહે છે.
આ ઓક્સોડાઇઝ અને કચ્છ વર્ક સાથેની જવેલરીમાં નેકલેસ, ઇયરીંગ્સ, હાથના પંજા, પગના પાયલ, દામડી, બાજુબંધ, કમરબંધ, વીંટી વગેરે હોય છે. લોકો પોતાની પસંદગી અને ડ્રેસ મુજબ પહેરી શકે છે.
આમ સમગ્ર દેખાવમાં ચાર ચાંદ લગાવતા આભુષણો સમગ્ર દેખાવમાં ખુબ મહત્વ ધરાવે છે. તો આ નવરાત્રીએ કચ્છના હેન્ડમેઇડ પેચીઝનો ઉપયોગ જવેલરી અને ડ્રેસમાં કરીને બધાથી અલગ લુક ઉભો કરી શકશો.