ઈમામ પર હુમલો; પોરબંદરમાં લઘુમતી સમાજનું ‘બંધ’September 24, 2018

 અશોભનીય લખાણ બાદ લાજવાને બદલે ગાજેલા શખ્સોનું કૃત્ય: વળતા જવાબમાં ટોળાં દ્વારા મકાન-વાહનમાં તોડફોડ
પોરબંદર,તા.24
પોરબંદરમાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ વિશે કેટલાક અશોભનીય ઉચ્ચારણવાળા પોસ્ટર લગાડનારા શખ્સો વિરૂધ્ધ પોલીસને રજુઆત થવાની છે તેવી જાણ થતાં અમુક શખ્સોએ મુસ્લિમ સમાજના એ ઇમામ ઉપર મસ્જિદ બહાર જાહેરમાં હુમલો કરતા વાયુવેગે આ વાત સમગ્ર મેમણવાડા સહિત મુસ્લિમ વિસ્તારમાં ફેલાઇ જતાં 1000થી વધુ મુસ્લિમોનું ટોળુ રોડ ઉપર ઉતરી આવ્યું હતું અને એક મકાન તથા કાર સહિત ત્રણ વાહનમાં તોડફોડ કર્યા બાદ કીર્તિમંદિર પોલીસ સ્ટેશને પણ ઉગ્ર રજુઆત કરવા પહોંચી જતાં એસ.પી. ખુદ દોડી ગયા હતા અને ત્યારબાદ યોગ્ય કરવાની પોલીસે ખાત્રી આપી મામલાને ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાના પગલે મુસ્લિમ સમાજ આવતીકાલે વેપાર ધંધા બંધ રાખી હડતાળ પાડનાર હોવાનું જાણવા મળેલ છે.
બનાવની વિગત એવી છે કે, સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ હાજી ઇબ્રાહીમખાન પઠાણ, ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમ સંઘાર, હાજી યુસુફ નૂરી, દિલાવર લાખા જોખીયા, ફીરોઝ વજીરૂદ્દીન પઠાણ, સેક્રેટરી આરીફ સુર્યા, જો. સેક્રેટરી યુનુસખાન શેરવાની, હાસમ લાંઘા, હુશેનખાન શેરવાની, દારૂલ ઉલુમ ગૌષેઆઝમના પ્રમુખ તૌશીફ હામદાણી, જાફર પુંજાણી વગેરેના ધ્યાને એવું આવ્યું હતું કે, પોરબંદરની તમામ મસ્જિદોના ધર્મગુરૂ વિશે કેટલાક અશોભનીય ઉચ્ચારણો વાળા પોસ્ટર સોશ્યલ મીડીયામાં મુકવામાં આવ્યા હતા.
આ વાંધાજનક કૃત્ય અલી સેના (પંજેતની ગ્રુપ)ના સભ્યોએ કર્યુ હોવાની તેઓને આશંકા જતાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં તેમના દ્વારા લેખીત ફરિયાદ અરજી કમ આવેદન પાઠવીને સુન્ની અંજુમને ઇસ્લામના લેટરપેડ ઉપર એવી રજુઆત કરી હતી કે, એ ગ્રુપના સભ્યો અઝીમ યુનુસ કાદરી, યુસુફખાન ફારૂકખાન શેરવાની, આબીદ અનવરમીંયા કાદરી, સોયબ ગુલામહુશેન કુરેશી, સિરાજ સલીમ સંધી અને સલીમ યુસુફ સુર્યા વગેરેએ આ અશોભનીય શબ્દો શાયરીરૂપે લખી તેના પોસ્ટરો મોહરમ દરમિયાન લગાડયા હતા. નગીના મસ્જીદ, રહેમાની મસ્જીદ પાસે આવા પોસ્ટરોથી લાગણી દુભાઇ છે.
આ પ્રકારનું આવેદન સાથે રજુઆત કરવા કેટલાક આગેવાનો જવાના હતા તેવી જાણ થતાં પોતાના વિરૂધ્ધ ફરિયાદ થવાની હોવાથી ઉશ્કેરાઇ ગયેલા કેટલાક યુવાનો મસ્જીદ બહાર પહોંચી ગયા હતા અને મુસ્લિમ સમાજના ઇમામ હાફીઝ ઇલ્યાસ સાહેબ ને રહેમાની મસ્જીદ બહાર જ ગાલ ઉપર એક ઝાપટ મારીને નાશી છુટયા હતા.
બનાવની જાણ થતાં 1000થી વધુ મુસ્લિમોનું ટોળુ બહાર દોડી આવ્યું હતું અને સલીમ યુસુફ સુર્યાના મકાન ઉપર પથ્થર મારો કરી અને તેની ત્રણ કારમાં પણ તોડફોડ કરીને નુકશાન કર્યુ હતું.
ત્યારબાદ પ00થી વધુ મુસ્લિમોનું ટોળુ ખુબ જ ઉશ્કેરાઇને કીર્તિમંદિર પોલીસ સ્ટેશને દોડી ગયું હતું અને ઉગ્ર રજુઆતો કરી એવું લેખીતમાં જણાવ્યું હતું કે, જેમણે પોસ્ટર લગાડીને લાગણી દુભાવી છે તે શખ્સો પૈકી એક શખ્સને અગાઉ તડીપાર પણ કરી દેવાયો હતો, ફેસબુકમાં વિડીયોરૂપે ધર્મગુરૂ વિશે અશોભનીય શબ્દો ઉચ્ચારીને પોતાની સામે આવવાની ખુલ્લી ધમકી પણ આપે છે. એટલું જ નહીં પરંતુ તેની ફેસબુક પરની પોસ્ટરના સ્ક્રીનશોટ પણ લઇને જણાવ્યું હતું. ટોળુ પોલીસ સ્ટેશન બહાર હોવાથી એસ.પી.ડો. પાર્થરાજસિંહ પણ દોડી ગયા હતા અને તેમણે સૌને શાંતિ રાખવાની અપીલ કરીને જવાબદારો સામે કડક પગલા ભરવાની ખાત્રી આપી હતી.
આ બનાવ બાદ મુસ્લિમ સમાજના ઇમામ હાફીઝ ઇલ્યાસ સાહેબ પણ કીર્તિમંદિર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને તેમના મોટીસંખ્યામાં અનુયાયીઓ હોવાથી તેઓએ પણ હુમલાખોરો સામે રોષ વ્યકત કર્યો હતો અને હુમલાખોરો સામે ગુન્હો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
સુન્ની અંજુમને ઇસ્લામે એવું જણાવ્યું હતું કે, પોરબંદરના સમાજમાં સુન્ની બરેલ્વી સંપ્રદાય કે જેના સિધ્ધાંતો એકતા, અખંડીતતા, દેશ પ્રત્યે પ્રેમ ભાવનાના છે અને સુન્ની બરેલી સંપ્રદાયના લોકો પોરબંદરમાં 100 ટકા છે. પરિણામે વર્ષોથી પોરબંદરમાં એકતા વિખેરાઇ નથી ત્યારે અમુક ઉપરોકત નાપાક ઇરાદાવાળા તત્વો ચોકકસ સંપ્રદાય અને અમારા ધર્મગુરૂ વિરૂધ્ધ ઝેર ઓકતા, અશોભનીય પોસ્ટરો તહેવારોમાં લગાડી અને સોશ્યલ મીડીયા, ફેસબુકમાં વિડીયો, લખાણ મુકી એકતા, અખંડીતતા, સદભાવના, શાંતિ, સુમેળ, કાયદો, વ્યવસ્થા વેરવિખેર કરવાનું આયોજનપૂર્વક કાવતરૂં કરી રહ્યા છે તેવો આક્ષેપ કરીને વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, તેમની પાસે પોસ્ટર છપાવવા સહિતનો ખર્ચ કોણે પુરો પાડયો? આડકતરી રીતે વિદેશી તત્વો દેશની અખંડીતતાને ખંડીત કરવા માટે આ યુવાનોને હાથો બનાવી રહ્યા હોવાની પણ આશંકા દર્શાવીને તપાસ કરવા માંગ કરી છે.તેમજ તેની સંસ્થાને ભારતમાં પ્રતિબંધિત જાહેર કરવા પણ રજુઆત કરવામાં આવી હતી.