બાબરાના કીડી ગામના યુવકનું કોંગો ફીવરથી મોત: ફફડાટ

આરોગ્ય વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ
અમરેલી તા.6
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામે કોંગો ફીવરનાં કારણે યુવકનું મોત થયાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી
મચી જવા પામી છે ત્યારે આરોગ્ય તંત્રએ યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાનાં કીડી ગામે રહેતા વિશાલભાઇ અમરીશભાઇ ઝાપડીયા નામના 28 વર્ષીય યુવકને ગત તા.29ના
રોજ તાવની અસર તળે સારવાર માટે ભાવનગર ખાતે ખસેડાયેલ હતા. જયાં તેમનું ભાવનગર
ખાતે જ સારવાર દરમીયાન મોત
થયું હતું.
આ યુવકના મોત અંગે કોંગો ફીવરના લક્ષણો જણાતા જરૂરી નમુનાઓ લઇ પુનાની ખાસ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ પુનાની લેબોરેટરીમાંથી રીપોર્ટ આવતા આ યુવકનું મોત કોંગો ફીવરના કારણે થયાનું જણાય આવતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું.
જોકે આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા ચારેય દિવસના આ કીડી ગામે ઘરે ઘરે ફરી તાવના દર્દીઓનો સર્વે હાથ ધર્યો હતો. આ દરમીયાન પાંચ જેટલા તાવના કેસ જોવા મળ્યા હતા. જેમની તાત્કાલી સારવાર કરવામાં આવી હતી.
જોકે હાલમાં એક પણ સામાન્ય તાવનો પણ કેસ આજે ત્યાં જોવા મળતો નથી. તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સને 2013માં બાબરા પંથકમાં કોંગો ફીવરના કારણે 9 જેટલા લોકોના મોત થયા બાદ હાહાકાર મચી ગયો હતો ત્યારે ફરી કોંગો ફીવરની ઘટનાને લઇ લોકો અને આરોગ્યતંત્ર સાબદા થયા છે.