વીર વીરાની યોજનાSeptember 15, 2018

રાજગઢ ગામ ખુબજ શાંત અને રળિયામણું હતું. તહેવારોની મોસમ હોવાથી લોકો વ્રત ઉત્સવ મનાવવામાં મશગુલ રહેતા હતા. જુદા જુદા પર્વો કંટાળાજનક જીવનમાં નવો ઉત્સાહ
જગાડે છે એ રીતે બાળકો પણ પર્વ ઉત્સવમાં ભાગ લઇ પારંપરિક ઉત્સવોની જાણકારી મેળવતા હતા. વડિલો સાથે મંદિરે જઇ ભકિત કરતા તેમજ ધર્મની વાતો પણ સાંભળતા હતા.
વીરવીરા તથા મિત્રો શાળાએ જતા ખુબ આનંદમાં હતા કારણકે આજે પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. બધા પોતપોતાના કલાસમાં જાય છે. જ્યારે ટીચરે પરિણામ જાહેર કર્યું તો બધા જ ખુશ થયા કારણ બધાને પોતપોતાની ઇચ્છા મુજબના માર્કસ આવ્યા હતા. પરંતુ સમીર અંદરથી દુ:ખી હતો તે એમ માનતો હતો કે તેને પોતાની મહેનતના પ્રમાણમાં ઓછા માર્કસ ટીચરે આપ્યા છે. અને ફર્સ્ટ નંબર આવેલ સાગરને ટીચરે વધુ માર્કસ આપ્યા છે. આમ તેના મનમાં ઇર્ષાના બીજ રોપાયા. ધીમે ધીમે તે બધા સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો અને એજ રીતે બીજા વિદ્યાર્થીઓ પણ તેની મજાક ઉડાવવા લાગ્યા. વીરવીરા અને મિત્રો રોજ આ બધુ જોતા હતા ગોલી રોજ દાદી સાથે મંદિરમાં જતો ત્યાં પણ પ્રવચનમાં ગુરૂજી ઇર્ષા ન કરવાનું તેમજ બીજાને માફી આપવાની વાત કરતા હતા. તો પીકું પણ હાલમાં પર્યુષણ પર્વમાં ઉપાશ્રય જતો તો ગુરૂ મહારાજ પણ માફ કરવાની અને ગુસ્સો ઇર્ષા ન કરવાની વાત કરતા અને એના પણ બે દિવસ પછી તો સંવત્સરી પર્વ પણ આવતુ હતું. જે દિવસ ક્ષમાપનાનો હતો એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ’ કરવાનો હતો તેને પણ સમીરની આ વાત નહોતી ગમતી.
વીર વીરા અને બધા મિત્રો આ બાબતે ચર્ચા કરી કે સમીરને આજે સમજાવવું જ પડશે રોજની જેમ કલાસરૂમ ચાલુ થવાની તૈયારી હતી બધાએ પ્લાન મુજબ તેને ચીડવવાની શરૂઆત કરી ત્યારે વીરવીરાએ જે ચીડવતા હતા તેને સમજાવ્યા અને સમીરની માફી માંગવાની વાત કરી બધા જ મિત્રોએ સમીરને ‘સોરી’ કહ્યું જે સાંભળી સમીરને પણ સમજાવ્યો કે તું પણ આ બધાની ઇર્ષા છોડીને ‘સોરી’ કહી દે બીજા વર્ષે વધુ મહેનત કરીને ફર્સ્ટ નંબર લાવજે. સમીરને વાત સાચી લાગી તેણે બધા મિત્રોને ‘સોરી’ કહ્યું અને ફક્ત માફી માગવાથી મન કેવું હળવું થાય છે તે પણ અનુભવ્યું ત્યાંજ એ સંવત્સરીના દિવસની વાત કરી અને બધા જ મિત્રોએ આ દિવસની ઉજવણી એકબીજાને ‘મિચ્છામિદુક્કડમ’ કહીને કરવાનું નક્કી કર્યુ આ સાંભળી ટીચર પણ ખુશ થયા બીજા દિવસે શાળાનું વાતાવરણ ખુબ જ ભવ્ય લાગતું હતું કારણ કે દરેક વિદ્યાર્થી પોતાના ફ્રેન્ડસ અને ટીચરને ‘મિચ્છામિદુક્કડમ’ કહીને પોતાની દોસ્તી પાક્કી કરી રહ્યા હતા. આમ બધા મિત્રો ફરીથી આનંદથી ભણવા લાગ્યા.
બોધ: ક્યારેય કોઇ પ્રત્યે ઇર્ષા, વેર-ઝેર કે ગુસ્સો કરવો જોઇએ નહીં અને ક્યારેય ભૂલથી જો ભૂલ થઇ જાય કે કોઇને દુ:ખ લાગી જાય તો તરત જ ‘સોરી’ કહીને માફી માંગી લેવી જોઇએ પર્યુષણ પર્વનો ક્ષમાપનાનો સંદેશ આ જ સુચવે છે.