ગણેશવંદના બાદ શહેરમાં CMનું રાત્રિરોકાણ

પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં મેઘાવી છાત્રોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન
રાજકોટ, તા. 14
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ત્રણનાં ટકોરે રાજકોટમાં આગમન થયુ છે. વિજયભાઈ આજે સાંજે પાંચ કલાકે હેમુગઢવી હોલમાં યોજાનાર ઉદઘાટન સમારંભમાં રાજય કક્ષાનાં કલા મહાકુંભને ખુલ્લો મુકશે. સાથોસાથ રાત્રિ રોકાણ પણ રાજકોટમાં કરવાનાં હોય શહેરનાં 9 થી વધારે સાર્વજનિક ગણેશોત્સવમાં હાજરી આપી પૂજા-અર્ચના કરશે.
સવારે 11 કલાકે સાણંદ ખાતે સંસ્કારધામમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોરે ત્રણ કલાકે રાજકોટમાં આગમન થયુ હતું. મુખ્યમંત્રીએ સૌ પ્રથમ રૈયારોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભમાં હાજરી આપી હતી. ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા આયોજિત આ અલંકારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મેઘાવી છાત્રોને સન્માનીત કર્યા હતાં. ત્યાર બાદ ઉદબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજયમાં શિક્ષણનું સ્તર વિશ્ર્વકક્ષાનું કરવા રાજય સરકાર કટિબદ્ધ છે. ઉપસ્થિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણને મહત્વ આપવા શીખ આપી હતી.
સાંજના પાંચ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે કલા મહાકુંભના રાજય કક્ષાનાં રાઉન્ડનો ઉદઘાટન સમારંભ શરૂ થયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આ કલા મહાકુંભનો પ્રારંભ થશે. રાજયભરનાં યોજાયેલ પ્રદેશ કક્ષાની સ્પર્ધાનાં વિજેતાઓ વચ્ચે ટકકર થશે.
સાંજે મુખ્યમંત્રી શહેરનાં 9 થી વધારે સાર્વજનીક ગણેશોત્સવમાં હાજરી આપનાર છે. વિજયભાઈ રૂપાણી સૌ પ્રથમ 9-30 કલાકે ચમત્કારીક હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ ગણેશોત્સવમાં હાજરી આપશે ત્યાર બાદ શિવ શકિતકા રાજા, જિવંકિતા નગર કા રાજા, પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલ ગણેશોત્સવ, રેસકોર્ષ ખાતે ભાજપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ, ચંપકનગર કા રાજા, ત્રિકોણ બાગ કા રાજા, રાજકોટ કા રાજા, ભુદેવ સેવા સમિતિ આયોજિત ગણેશોત્સવમાં હાજરી આપશે.
મુખ્યમંત્રી રાત્રી રોકાણ પણ રાજકોટ કરવાના છે. સવારે 8 કલાકે ગાંધીનગર જવા રવાના થશે.