ઇન્દ્રનીલના ભાઇ પાસે 13 કરોડનો GST વસૂલવા નોટિસ

રાજકોટ તા.14
રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અનેક વ્યવસાય સાથે સંકળાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇએ બાર વર્ષ પહેલા રૂા.1ર.42 કરોડનો ટેકસ ભરપાઇ નહીં કરતા જીએસટી તંત્ર દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇની મિલ્કતના બોજાનોંધ દાખલ કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. આ અંતર્ગત પશ્ર્ચિમ મામલતદાર તંત્ર દ્વારા બોજાનોંધની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલ રાજ્યગુરૂ અને તેના ભાગીદાર બેચરભાઇ ગોવિંદભાઇ દેથરીયા, તેમના પત્ની શ્રીમતિ પાર્વતીબેન બેચરભાઇ દેથરીયાએ વર્ષ ર006-07 માં રૂા.પ,00,90,3પ8 અને ચડત વ્યાજ તેમજ વર્ષ ર007-08 માં 7,41,ર6,પ38 અને ચડત વ્યાજ સાથે કુલ 1ર,4ર,16,896 ચડત વ્યાજ સાથેનો વેરો ભરપાઇ કર્યો નથી. આથી સહાયક રાજ્ય વેરા કમિશ્નર (ત્યારનો વેટ વિભાગ) દ્વારા ટેકસ ભરપાઇ કરવા અવારનવાર ત્રણેય ભાગીદારોને નોટીસ ફટકારવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ લાગુ કરવામાં આવેલ જીએસટી પૂર્વે રાજ્યના વેટ વિભાગ દ્વારા ટેકસ વસુલવામાં આવતો હતો. ગત જુલાઇ મહિનાથી જીએસટીની અમલવારી બાદ જુનુ બાકી લેણું વસુલવા માટે જીએસટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ અને તેના બે ભાગીદારો પાસેથી રૂા.13 કરોડ જેવું સરકારી લેણુ વસુલવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. અવારનવાર ઉઘરાણી કરવા છતા પણ ત્રણેય ભાગીદારોએ સરકારી લેણુ ભરપાઇ નહીં કરતા અંતે તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જીએસટી વિભાગ દ્વારા ગત તા.ર0/9/17 અને ર3/10/17 ના રોજ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટને દિવ્યનીલ રાજ્યગુરૂની નાના મવામાં આવેલ સર્વે નં.1ર3 પૈકી પ્લોટ 11 અને 1-બી તેમજ બેચર દેથરીયાની સીટી સર્વે વોર્ડ નં.16 ની સર્વે નં.3ર1પ પૈકીની એમ્બેસી બીલ્ડીંગની ઓફીસ નં.803 કાર્પેટ એરીયા 6ર9.8ર ચો.ફુટ અને ઓફીસ નં.804 કાર્પેટ એરીયા 446.61 ચો.ફુટ તેમજ શ્રીમતિ પાર્વતીબેન દેથરીયાની એમ્બેસી બીલ્ડીંગની ઓફીસ નં.801 અને 80ર કાર્પેટ એરીયા 104પ ચો. ફુટમાં બોજાનોંધ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સીટી સર્વે કચેરીમાં હક્ક ચોકસીનું કામ ચાલુ હોવાથી અને સીટી સર્વેનું રેકર્ડ તૈયાર ન હોવાથી બોજાનોંધ રેકર્ડ પર દાખલ કરી શકાય તેમ ન હોવાનું જણાવાયું હતું. આથી હવે જીએસટી વિભાગે પશ્ર્ચિમ મામલતદારને મિલ્કતોમાં બોજાનોંધ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
(અનુસંધાન પાના નં. 10)
બીજી બાજુ પ્રોપર્ટી કાર્ડ તરફથી જાણવા મળેલ છે કે દિવ્યનીલ રાજ્યગુરૂના ભાગીદાર બેચરભાઇ દેથરીયા અને પાર્વતીબેન દેથરીયાના પુત્ર ચેતન દેથરીયાના નામે સીટી સર્વે વોર્ડ નં.16 ની સર્વે નં.3ર1પ પૈકી એમ્બેસી બીલ્ડીંગ નં.80પ, 806 માં હાઇકોર્ટમાં ટેકસ અપીલનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એવું એફીડેવીટ કરવામાં આવ્યું છે કે રાજ્ય વેરા કચેરી દ્વારા તમામ દુકાન નં.801 થી 806 માં બોજાનોંધ મુકાયેલ છે જેમાં આ ઓફીસનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં આ મિલ્કત રીકવરી અથવા તો વેચાણ કરવાની થાય તો તેની સામે આસામીઓને કોઇ વાંધો નથી. આથી આ મિલ્કતનું વેચાણ થયું હોય તો તાત્કાલીક અસરથી કચેરીને જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલ રાજ્યગુરૂ અને તેના ત્રણ ભાગીદારોએ જીએસટી કચેરીનો રૂા.1ર.4ર કરોડનો ટેકસ નહીં ભરતા મામલો પેચીદો બની ગયો છે. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ નાના મવા ખાતેના બે પ્લોટ સહિતની મિલ્કતો જપ્ત કરવા માટે પશ્ર્ચિમ મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.