રાજકોટમાં ડેન્ગ્યુના 150 કેસ, હાહાકાર

એલીઝા ટેસ્ટને સરકારની માન્યતા હોવાની આરોગ્ય વિભાગ પાસે જાણકારી નથી
 સામાન્ય લેબોરેટરી ટેસ્ટમાં ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હોવાથી અનેક દર્દીઓ સારવારમાં
રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં છેલ્લા બે માસથી ડેન્ગ્યુએ પંજો પ્રસરાવ્યો છે. શહેરના દવાખાનાઓ અને હોસ્પીટલોમાં દર્દીઓની લાઇનો લાગી છે. સામાન્ય તાવ આવે તો પણ લોકો ગભરાઇને ડેન્ગ્યુના રીપોર્ટ કરવા લેબ.માં દોડી જતા હોય છે. જ્યાં સામાન્ય ટેસ્ટમાં ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યા બાદ ખાનગી હોસ્પીટલોમાં સારવાર શરૂ કરવામાં આવે છે. આ પ્રકારના સેંકડો દર્દીઓ હાલમાં ખાનગી હોસ્પીટલોમાં સારવાર લઇ રહ્યા છે. આરોગ્ય વિભાગના જ અમુક કર્મચારીઓના જણાવ્યા મુજબ રાજકોટમાં 1પ0 થી વધુ ડેન્ગ્યુના દર્દીઓ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગના નિયમ મુજબ તેમજ
ગુજરાત સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ડેન્ગ્યુ પોઝીટીવની માન્યતા આપવા માટે એલીઝા ટેસ્ટ કરવો ફરજીયાત છે. આ ટેસ્ટ રૂા.રર00 માં થાય છે. જ્યારે સામાન્ય ટેસ્ટ થકી ડેન્ગ્યુ પોઝીટીવ છે કે કેમ તે જાણી શકાતું હોવાથી લોકો 300 રૂપિયાના લેબ. ટેસ્ટ થકી રોગની જાણકારી પ્રાપ્ત કરી ખાનગી હોસ્પીટલોમાં સારવાર લેતા હોવાથી આ પ્રકારના તમામ ડેન્ગ્યુના દર્દીઓની જાણકારી આરોગ્ય વિભાગ પાસે હોતી નથી. પરીણામે વિભાગીય આંકડાઓ મનઘડત અથવા ખોટા હોવાનું ફરી એક વખત સાબિત થયું છે.
છેલ્લા બે માસ દરમ્યાન અસંખ્ય ડેન્ગ્યુના દર્દીઓ ખાનગી હોસ્પીટલોમાં સારવાર લઇ રહ્યાનું પ્રુફ સાથે કોંગી કોર્પોરેટરે બહાર પાડયું હતું ત્યારે આરોગ્ય વિભાગ ઘાંઘો થઇ ગયો હતો અને દર સપ્તાહે ત્રણ-ચાર દર્દીઓ હોવાના ગાણા ગાયા બાદ અચાનક 18 ડેન્ગ્યુના કેસ એક જ દિવસમાં મનપાના ચોપડે નોંધાયા હતા. જેના ઉપરથી સાબિત થાય છે કે ડેન્ગ્યુ વિરોધી કામગીરીમાં ફકત આરોગ્ય વિભાગ ડીંડક કરી રહ્યું છે અને સાચા આંકડાઓ લોકોને આપવામાં નથી આવતા. રાજકોટની 40 થી વધુ હોસ્પીટલોમાં ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઇ રહ્યાનું આજરોજ બહાર આવ્યું છે તેમજ છેલ્લા બે માસમાં પાંચ વ્યકિતનો ડેન્ગ્યુએ ભોગ લીધો છે છતા તંત્ર દ્વારા વન-ડે વન રોડ તેમજ વન-ડે થ્રી વોડ સફાઇ ઝુંબેશ નામે નાટક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.
આજરોજ તમામ વિસ્તારોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટમાં 1પ0 થી વધુ ડેન્ગ્યુના દર્દીઓ હોવાનું બહાર આવ્યું છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તેમની પાસે આ પ્રકારની કોઇ જાતની માહિતી નથી. હોસ્પીટલોમાં ડેન્ગ્યુના દર્દીને સારવાર આપતા પહેલા તેની જાણકારી આરોગ્ય વિભાગને આપવામાં આવતી હોય છે છતા આરોગ્ય વિભાગ પાસે આ પ્રકારની કોઇ માહિતી ન હોવાથી આકડાઓ છુપાવતા હોવાનું જણાઇ આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે બહાર આવેલ વિગત મુજબ શહેરના અનેક દવાખાના અને હોસ્પીટલની નોંધણી મહાનગરપાલીકામાં થઇ નથી તો કયા આધારે હોસ્પીટલ મનપાને ડેન્ગ્યુના આકડાઓ આપે તેવો સવાલ ઉભો થયો છે.
બોકસ
બે માસમાં પાંચના મોત : જવાબદાર કૌન ?
રાજકોટમાં દિવસે દિવસે ડેગ્યુના દર્દીઓમાં વધારો થતો જાય છે. એલીઝા રીપોર્ટનો આગ્રહ રાખનાર આરોગ્ય વિભાગને સાચા આંકડાઓ પ્રાપ્ત નથી થતા પરીણામે સરકારી તંત્ર પાસે પણ પુરતી જાણકારી ન પહોચતા ડેન્ગ્યુ વિરોધી કામગીરી સમયસર અને પુરતા પ્રમાણમાં થતી ન હોવાથી છેલ્લા બે માસમાં પાંચ ડેન્ગ્યુના દર્દીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે ત્યારે લાખો રૂપિયાના પગાર લઇને ગાડીઓમાં ફરતા અધિકારીઓની શું જવાબદારી છે તેવો લોકપ્રશ્ન ઉઠવા પામ્યો છે.
બોકસ
ખાનગી હોસ્પીટલોમાં તપાસ શા માટે નથી કરાતી ?
આરોગ્ય વિભાગ ડેન્ગ્યુની કામગીરી માટે ડોર ટુ ડોર તપાસ હાથ ધરી દરેક ઘરમાં ડેન્ગ્યુના દર્દીઓની જાણકારી પ્રાપ્ત કરવા માટે ટીમ દોડાવે છે. છતા સાચા આંકડાઓ આરોગ્ય વિભાગ પાસે પહોચતા નથી જેનું મુખ્ય કારણ લોકો હવે કંટાળ્યા છે. ફકત ફોગીંગ અને દવા છાંટવાની કામગીરી કરતા આરોગ્ય વિભાગના માણસોને લોકો સાચી વિગત આપતા નથી ત્યારે આરોગ્ય વિભાગે શહેરની તમામ હોસ્પીટલોનો સર્વે કરી ડેન્ગ્યુના કેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેની વિગત એકઠી કરી લોકો સમક્ષ રજુ કરવી જોઇએ. જેના લીધે લોકોમાં જાગૃતતા આવે અને ડેન્ગ્યુ વિરોધી કામગીરીની અસર જોઇ શકાય.