ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશને જોડતી બુલેટ ટ્રેનની ચીનની યોજના

 ચીનના કુનમિંગ શહેરથી કોલકાતા વચ્ચેનું 2000 કિ.મી.નું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે: ચીન
બૈજિંગ તા.14
ચીન મ્યાનમાર અને બાંગ્લાદેશના રૂટ પર ચીનનાં શહેર કુનમિંગથી કોલકાતા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા યોજના ઘડી રહ્યો છે. કોલકાતામાં ચીનના કોન્સ્યુલ જનરલ મા જાનવુએ આ માહિતી આપી હતી, જો આ યોજના સાકાર થશે તો કુનમિંગથી કોલકાતા વચ્ચેનું 2,000 કિ.મી.નું અંતર કાપતાં ફક્ત 2 કલાક થશે.
આ શહેરો વચ્ચે હવાઈપ્રવાસ કરતાં હાલ 2:30 કલાકનો સમય લાગે છે. આ પ્રોજેક્ટમાં આખા એશિયાને આવરી લેવાશે.
જાનવુએ કહ્યું હતું કે કુનમિંગથી કોલકાતા અને કોલકાતાથી કુનમિંગ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા ઘણી વાતચીત થઈ ચૂકી છે. આ યોજના એક દાયકામાં પૂરી થવાની ધારણા છે. આમાં ચીનનાં કુમનિંગથી બાંગ્લાદેશનાં ઢાકા અને મ્યાનમારનાં મંડાલે તેમજ કોલકાતાના રૂટને બુલેટ ટ્રેનથી જોડવામાં આવશે. આનાથી જે દેશોમાંથી આ ટ્રેન પસાર થશે તેનો આર્થિક વિકાસ થશે. જાનવુએ કહ્યું કે આ પ્રોજેક્ટથી ભારત અને ચીન વચ્ચેનો સંપર્ક વધશે અને વેપારધંધાનો વિકાસ થશે.
જાનવુએ કહ્યું હતું કે આવી યોજનાઓ શરૂ કરીને ચીનનો ઇરાદો ભારત અને અન્ય પડોશી દેશોમાં પગપેસારો કરવાનો કે વિસ્તારવાદનો નથી. આનાથી તમામ દેશોને લાભ થશે. જાનવુએ આ માટે બાંગ્લાદેશ, ચીન, ભારત અને મ્યાનમાર કોરિડોર દ્વારા વેપારીસંબંધો મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો.
જાનવુએ ભારતની ઝડપથી વિકસતી ઇકોનોમીનાં વખાણ કર્યાં હતાં. જાનવુએ કહ્યું કે ભારત એક ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને ચીન તેના પડોશી દેશો સાથે
મજબૂત સંબંધો સ્થાપવા માગે છે. રૂપિયો ગગડવા છતાં ભારતીય ઇકોનોમી મજબૂત છે.