મોદી સરકારને નડે તેવો ‘યૂએન’નો ગંભીર રિપોર્ટ

 ભાજપના નેતાઓના ભડકાઉ ભાષણોથી લઘુમતીઓ, દલિતો પરના હુમલા વધી ગયા છે
ન્યૂયોર્ક તા.14
ભાજપ દ્વારા એક બાજુ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના માનવઅધિકાર નિષ્ણાતનો રિપોર્ટ મોદી સરકાર માટે મુશ્કેલીઓ સર્જી શકે છે. યુએનના રિપોર્ટ મુજબ ભાજપના નેતાઓ દ્વારા લઘુમતીઓ અને દલિતો વિરુદ્ધ આપવામાં આવતાં ભડકાઉ ભાષણને કારણે ભારતમાં મુસ્લિમો અને દલિતો પર હુમલા વધી રહ્યા છે.
આ રિપોર્ટને 2017માં યુએનની સામાન્ય સભાના આ ઠરાવમાં તમામ દેશો દ્વારા જાતિવાદ, વંશીય ભેદભાવ, વિદેશી લોકો પ્રત્યે નફરત અને અસહિષ્ણુતા અંગેની માહિતી એકઠી કરવામાં આવી હતી. રિપોર્ટમાં માનવઅધિકારનિષ્ણાત એચ્યુમીએ કહ્યું હતું કે હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપની જીતને દલિતો, મુસ્લિમો, આદિવાસીઓ અને ખ્રિસ્તી સમાજ વિરુદ્ધ હિંસા સાથે જોડી શકાય છે.
ભાજપના નેતાઓ દ્વારા લઘુમતીવર્ગનાં લોકો વિરુદ્ધ સતત ભડકાઉ ભાષણ આપવામાં આવે છે, જેને કારણે મુસ્લિમો અને દલિત લોકો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. આ વર્ષે મે મહિનામાં યુએન માનવઅધિકાર દ્વારા ભારત સરકારને લખેલા પત્રમાં એનઆરસીનો મુદ્દો પણ ઉઠાવાયો હતો. આ પત્રમાં આસામમાં રહેતાં બંગાળી મુસ્લિમ લઘુમતીઓની સમસ્યાનો ઉલ્લેખ કરાયો હતો. ભારત દ્વારા આ લોકોને વિદેશીઓ ગણાવવામાં આવી રહ્યાં છે.
ચૂંટણી પંચની મતદારયાદીમાં આસામનાં લોકોનાં નામ સામેલ છે પણ એનઆરસીમાંથી ગાયબ છે જે નિરાશાજનક છે. 1997માં એનઆરસીની પ્રક્રિયાને અપનાવવામાં આવી હતી જેને કારણે આસામમાં બંગાળી મુસ્લિમોના અધિકાર છીનવાઈ ગયા હતા. આ રિપોર્ટ તેંદાયી એચ્યુમીએ તૈયાર કર્યો છે જેઓ યુએનમાં વંશવાદ, જાતીય ભેદભાવ, જેનફોબિયા અને અસહિષ્ણુતા અંગેના સ્પેશિયલ રિપોર્ટર છે. તેઓ માનવઅધિકારના નિષ્ણાત છે.