જૂનાગઢમાં નકલી પોલીસ ત્રાટકી યુવાનને ધમકી આપી રૂ.2000 પડાવ્યા

 દારૂના કેસમાં ફીટ કરવાની ધમકી આપી ત્રણ શખ્સ પૈસા લઈ જતા પોલીસ ફરિયાદ
જૂનાગઢ, તા. 14
જૂનાગઢમાં એક યુવાનને ત્રણ શખ્સોએ નકલી પોલીસ બની દારૂના કેસમાં ફીટ કરવાની ધમકી આપી રૂા.2000 પડાવી લીધાની ઘટના બનતા શહેરમાં નકલી પોલીસ ચર્ચાનો વિષય બન્યો છે.
આધારભૂત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના મુબારકબાગ પાસેના બેઠા પુલ પાસે રહેતા રાજેશભાઈ હીરાભાઈ મકવાણા (ઉ.વ.23) નામના યુવાન પાસે અજાણ્યા ત્રણ શખ્સો ગઈકાલે બપોરના 4 થી 4-30 દરમિયાન આપ્યા હતાં. ત્રણેય શખ્સોએ પોલીસનું નકલી ઓળખકાર્ડ બતાવ્યુ હતું અને રાજેશભાઈએ કહેલ કે તુ દારૂનું વેચાણ કરે છે. આથી રાજેશભાઈ ગભરાઈ ગયા હતાં. દરમિયાન ત્રણેય નકલી પોલીસે દારૂનો કેસ ન કરવા માટે રૂપિયા આપવા પડશે આથી ગભરાયેલ રાજેશભાઈએ પોતાની પાસે રૂા.2000 જ હોવાનું જણાવ્યુ હતું. એટલે ત્રણેય નકલી પોલીસે રૂા. બે હજાર પડાવી લીધા હતાં આ પછી રાજેશે તપાસ કરતા પોલીસ વિભાગમાં આવા કોઈ શખ્સ જ ન હોવાનું જાણવા મળતા બી. ડીવી. પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતમાં ઈજા
જુનાગઢના બલીયાવડથી ચોકલી ગામ વચ્ચે ધર્મભાઈ જગાભાઈ તથા રૂપસીંગભાઈ ભીખાભાઈને ઉ.વ.40 બાઈક ઉપર પસવાડાથી ડેરવાણ ગામે આવતા હતા ત્યારે બાલીયાવડના વિરકુ ભાભલુભાઈની યુટીલીટીના ચાલકે કાર બેફીકરાઈથી ચલાવી બાઈક હડફેટે લેતા તેમા સવાર ધર્મભાઈ અને રૂપસીંગને ઈજા થતા તેમના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.
બોગસ દસ્તાવેજ બનાવ્યો
કેશોદના ઈન્દીરાનગરમાં આવેલ 100 ચો.વારના મકાનના ચાર શખ્સોએ બોગસ દસ્તાવેજ બનાવી વેચી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આણંદભાઈ ધુડા, નાથીબેન બાબુભાઈ કાથડ, માકડીયા વેલજીભાઈ ઉગાભાઈ, જીવાભાઈ કારાભાઈ મંગરાએ મંડળી રચી કૌભાંડ આચર્યુ છે.