પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે!September 14, 2018

પેરિસ તા,14
ઓગસ્ટમાં ઓઈલનું ગ્લોબલ પ્રોડકશન પ્રતિદિન 10 કરોડ બેરલ જેટલું હાઈ લેવલ પર પહોંચી ગયું હતું. પરંતુ તેમ છતા આગામી સમયમાં ક્રુડ ઓઈલની સપ્લાય ઘટશે અને તેના કારણે ભાવ વધશે. તેનું કારણ અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલ પ્રતિબંધ અને વેનેઝુએલામાં અસ્થિરતાને કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં એક્સોપોર્ટ ઘટશે. આ ચેતવણી ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ગુરુવારે કહી છે. એજન્સીએ પોતાના મંથલી રિપોર્ટમાં કહ્યું કે, ‘આપણે એ સમયમાં જઇ રહ્યા છે જેની ઓઈલ માર્કેટ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં સપ્લાય ઘટશે.’ ક્રુડ ઓઈલના ભાવ અને સપ્લાયની સીધી અસરના કારણે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઇને વિપક્ષો ભાજપ સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીના પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 28 પૈસા વધીને નવા ભાવ રૂા.81.28
થયા છે જયારે ડીઝલના ભાવ 22 પૈસા વધીને રૂા.73.30 જેટલા થયા છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો રાજયના પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટા શહેરોમાં પણ આ ભાવ વધારો સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે. અમદાવાદમાં આજનો પેટ્રોલ ભાવ 68 પૈસાના વધારા સાથે 80.68 પર પહોંચી ગયો છે. જયારે ડીઝલનો ભાવ 67 પૈસાના વધારા સાથે 78.98 થઇ ગયો છે. તે જ રીતે સુરતમાં પેટ્રોલનો ભાવ 80.13 છે જયારે ડીઝલનો ભાવ 78.43 થઇ ગયો છે. રાજકોટમાં પેટ્રોલ 80.61 અને ડીઝલ 78.89 રૂપિયા પહોંચી ગયું છે. તો વડોદરા ખાતે પેટ્રોલ રૂા.80.22 અને ડીઝલ 78.51 થઇ ગયું છે.
તો બીજી તરફ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કંટ્રિઝ (ઓપીઈસી)નું પ્રોડકશન 3.2 કરોડ બેરલ પ્રતિદિવસ સાથે નવ મહિનાના સૌથી ટોંચ પર છે. જેના કારણે ગ્લોબલ પ્રોડકશન પણ તેના ટોપ સ્તર પર પહોંચ્યું છે. ઓપીઈસીએ જૂનમાં નક્કી કર્યુ હતું કે ક્રુડના ભાવમાં આવેલ વધારાને કંટ્રોલમાં રાખવા માટે તેઓ પ્રોડકશનમાં વધારો કરશે. અત્યાર સુધી તેના કારણે વેનેઝુએલા અને ઈરાન ક્રાઈસિસની ભરપાઈ થઇ રહી છે. જોકે આઈએઈનું માનું છે કે ભવિષ્યની માગને જોતા બીજા ક્રુડ ઉત્પાદક દેશોએ ઓઈલનું ઉત્પાદન હજુ વધારવું પડશે ત્યારે જ હાલ ક્રુડ જે 70-80 ડોલર પ્રતિ બેરલ પર ચાલી રહ્યું છે તેની રેન્જમાંથી બહાર કાઢી શકાશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 4 નવેમ્બરના રોજથી ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મુકવાની વાત કરી છે. જેના કારણે ભારત અને ચીન સહિતના ઈરાની ક્રુડ ઓઈલના પ્રમુખ ખરીદદાર આ કારણે ઈરાનથી પોતાની ખરીદી ઓછી કરી રહ્યા છે અને નવેમ્બરથી બીજા પણ ઘણા દેશ ખરીદી બંધ કરશે જેના કારણે ક્રુડ ઓઈલની સપ્લાય ઘટશે અને ભાવ વધશે.