કુતિયાણામાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવાતો ગણેશોત્સવ

કોમી એકતા અને ધાર્મિક સોહાર્દની બેમિશાલ પરંપરા
રાજકોટ તા,14
આંતકીઓ ભારત દેશમાં ગમે એટલો આતંક ફેલાવે પરંતુ ભારતમાં રહેલા મુસ્લિમો હિન્દૂઓની સાથે ખભેખભો મિલાવી તહેવારોની ઉજવણી કરે છે. સાથોસાથ ભારતના પર્યાવરણને પણ બચાવે છે.
પોરબંદર જિલ્લામાં અનેક સ્થળોએ ગણપતિજીની સ્થાપનાઓ થઇ રહી છે. ત્યારે કુતિયાણા શહેરમાં અનોખી રીતે હિન્દૂ-મુસ્લિમ દ્વારા આજે વ્હોરાવાડ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી હિન્દૂ અને મુસ્લિમ સાથે મળીને ગણપતિની સ્થાપના કરે છે. આ વિસ્તારમાં વધુ પડતા વ્હોરા મુસ્લિમ સમાજ વસવાટ કરે છે. આ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા જ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. કેમ કે આ વિસ્તારમાં કચરાના ગંજ વધુ પ્રમાણમાં જોવા મળતા હતા.
પરંતુ આ વિસ્તારના લોકોએ એવું વિચાર્યું કે અહીંયા ગણપતિજીની સ્થાપના કરીયે તો સ્વચ્છતા પણ જળવાઈ રહે છે અને હિન્દૂ મુસ્લિમ કોઈની લાગણી પણ દુભાસે નહિ. આ મંદિરની એક વિશેષતા એ છે કે હિન્દૂ હોય કે મુસ્લિમ પોતાના ધંધા રોજગારે જતા હોય ત્યારે અહીંયા માથું ટેકાવી પછી જ પોતાના રોજગાર ઉપર જાય છે. વ્હોરાવાડમાં છેલ્લા 15 વર્ષથી
ગણપતિજીની સ્થાપના કરી અહીંયા પંચભુતી હવન કરવામાં આવે છે. આ હવનમાં હિન્દૂ મુસ્લિમ બંને પરિવારો યજમાન બને છે. તો કુતિયાણા શહેરની સ્કૂલોના બાળકો અને શહેર વિસ્તારના અનેક બાળાઓને બટુક ભોજન કરાવવામાં આવે છે. અહીંયા તમામ જ્ઞાતિ દ્વારા એકીસાથે મહાપ્રસાદી લેવાય છે. હિન્દૂ અને મુસ્લિમ બહેનો દ્વારા અહીંયા સત્સંગ અને રાસ-ગરબાની રમઝટ થાય છે.તો ભાઈઓ દ્વારા સંતવાણી અને રામધૂન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનની અંદર હિન્દૂ અને મુલ્સિમ મહિલાઓ દ્વારા જાતે રાંધીને લોકોને પ્રસાદી આપે છે.
કુતિયાણા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વાજતે-ગાજતે ગણપતિજીની સ્થાપના કરે છે. ત્યારે આ માહોલમાં કોણ હિન્દૂ છે કે કોણ મુસલમાન છે તે ભૂલી અને સર્વે જ્ઞાતિ ભાઈચારાની જેમ હળીમળીને ઉજવે છે. આ સ્થળ જાતિવાદીના ધર્મના નામે ચાલી રહેલા વિવાદોને પોકળ સાબિત કરે છે. આજે આ સ્થાન હિન્દૂ મુસ્લિમનું કોમી એકતાનું પ્રતીક માને છે.
હાલમાં કાશ્મીરની અંદર હિંસાઓ ભડકી રહી છે અને ભારત પાકિસ્તાનની અંદર હિન્દૂ મુસ્લિમના વિવાદો વકરી રહ્યાં છે. ત્યારે પોરબંદરની અંદર વસતા મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓના તહેવારોમાં પોતાના ધંધા રોજગાર બંદ રાખી અને જોડાય છે. ત્યારે આ સમુદાયના લોકો શાંતિ,ભાઈચારા અને એકતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.