CNG-ઈલે. રિક્ષા-ટેકસીઓને હવે પરમિટની જરૂર નહીં પડે

  અમદાવાદ તા,14
દેશમાં વધતાં પ્રદૂષણને લઇને કેન્દ્ર સરકાર ચિંતિત છે. પ્રદૂષણ ઘટાડવા માટે સીએનજી અને ઇલેક્ટ્રિક રિક્ષા-ટેક્સીઓને પરમિટ વગર મંજૂરી આપવાનો નિર્ણય કરાશે. આ પ્રકારના વાહનનો લોકો વધુને વધુ ઉપયોગ કરે તે માટે ભાડાંના દર પેટ્રોલ અને ડીઝલના વાહન કરતા ઓછા રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર લાંબાગાળે પેટ્રોલ અને ડીઝલ રિક્ષાઓ સહિત તમામ ટ્રાન્સપોર્ટ વાહનોને બંધ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આગામી ત્રણ મહિનામાં કેન્દ્ર સરકાર કાયદો લાવી જાહેરનામું કરશે.
વાહનવ્યવહારના અધિકારીઓ કહે છે કે કેન્દ્ર દ્વારા કોઇ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. પરમિટ બંધ કરવાનો નિર્ણય કરતા પહેલા કેન્દ્ર દ્વારા વિવિધ રાજ્ય સરકરોનો અભિપ્રાય લેવાશે. જ્યારે નિષ્ણાંતો કહે છે કે ટ્રાન્સપોટ વાહનો માટે પરમિટ જરૂરી છે. પરમિટ દૂર કરાય તો વાહનોની આડેધડ સંખ્યા વધી જાય. બેરોજગારોને રોજગારી આપવામાં વિવિધ શહેરોના રસ્તા પર અવ્યવસ્થા સર્જાઇ શકે છે.
ગુજરાતમાં વિવિધ શહેરોમાં વાહનો માટે પૂરતા રસ્તા નથી. જો આ સ્થિતિમાં પરમિટ દૂર થાય તો વાહનો વધી જાય અને તેનાથી પ્રજાને ભારે મુશ્કેલી પડે તેમ છે. પરમિટની મંજૂરી દૂર કરવાની જાહેરાત સામે અત્યારથી મોટાભાગના રાજ્યો વિરોધ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર પરમિટમાંથી ટ્રાન્સપોર્ટ વાહનોને મુક્ત કરી દેશે તો રિક્ષા અને ટેક્સીની સંખ્યા મોટો વધારો થવાની શક્યતા છે. હાલ બે લાખ રિક્ષાઓ છે. જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા બેફામ વધારાને લીધે તેનાથી ચાલતા ટ્રાન્સપોટ વાહનોના ભાડાં પણ વધી રહ્યા છે. પરંતુ ઇલેક્ટ્રિક અને સીએનજી માટે સરકાર ઓછા દર નક્કી કરશે તો મુસાફરોને આર્થિક ફાયદો થશે.