વર્લ્ડ શૂટિંગમાં ટ્વિન્સ બ્રધરના ટ્વિન્સ મેડલ

ચાંગવોન તા.14
આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટરોએ જૂનિયર વર્ગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતના જોડિયા ભાઈઓની જોડી ઉદયવીર સિદ્ધુ અને રાજકંવર સિંહ સિદ્ધુએ સાથે મળીને જુનિયર 25 મીટર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત ઉદયવીર સિદ્ધુએ જુનિયર પુરુષ 25મી. પિસ્ટલ સ્પર્ધામાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. 16 વર્ષના ઉદયવીરે વ્યક્તિગત વર્ગમાં 587 (પ્રીસીઝનમાં 291 અને રેપિડમાં 296)નો સ્કોર બનાવીને અમેરિકાના હેનરી લેવરેટ (584) અને કોરિયાના લી. જેઈક્યુન (582)ને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતનો જ વિજયવીર સિદ્ધુ 582 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યો હતો. રાજકંવર સિંહ સિદ્ધુએ 568 પોઈન્ટ સાથે 20મું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ત્રિપુટીએ 1736 પોઈન્ટ સાથે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીને 1730 પોઈન્ટ સાથે સિલ્વર અને કોરિયાએ 1721 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.