વિરાટ પર માછલાં ધોયાં ગાવસ્કરે

નવીદિલ્હી તા.14
ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 1-4થી પરાજય થયો હતો. આ સિરીઝમાં બેટ્સમેન તરીકે વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ટીમને કેપ્ટન તરીકે જીત અપાવી શક્યો નહોતો. કોહલીની કેપ્ટનશિપ પર હવે સવાલો ઊઠવા શરૂ થઈ ગયા છે અને સૌથી મોટો સવાલ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કર્યો છે. ગાવસ્કરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ મુજબ કોહલીની કેપ્ટનશિપમાં હજુ પણ અનુભવની કમી જોવા મળી રહી છે અને તમાં સુધારો કરવાની ઘણી જરૂરત છે.
ગાવસ્કરે કહ્યું કે, પહેલાં સાઉથ આફ્રિકામાં અને હવે ઇંગ્લેન્ડમાં પરાજય થયો છે. તેના પરથી કોહલીને હજુ ઘણું શીખવાની જરૂરત છે. બોલિંગમાં યોગ્ય સમયે બદલાવ અને ફિલ્ડ પ્લેસમેન્ટ જેવી બાબતો મેચમાં ઘણો ફરક લાવે છે પરંતુ આ સ્માર્ટ નિર્ણય તેની કેપ્ટનશિપમાં જોવા મળ્યા નહોતા. કોહલી બે વર્ષથી કેપ્ટન છે પરંતુ અનુભવની કમી સ્પષ્ટ જોવા મળી રહી છે.
ગાવસ્કરના મતે કોહલીને અત્યાર સુધી ભારતીય વિકેટ્સ પર કેપ્ટનશિપનો અનુભવ છે જ્યાં પરિસ્થિતિ અલગ હોય છે. ભારતીય ટીમને આ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડવાનો છે એ જો ત્યાં કોહલી આ પ્રકારની પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરે તો પછી ટીમ ઈન્ડિયા માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.