‘સાફ’ ચેમ્પિયનશિપમાં ભારત સામે પાક. સાફ!September 14, 2018

નવી દિલ્હી તા,14
મનવીર સિંઘે બે અને સુમિત પાસ્સીના એક ગોલને સહારે ભારતે 3-1થી પાકિસ્તાનને હરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની (સાફ) ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો તા.15મી સપ્ટેમ્બરને શનિવારે માલદિવ સામે થશે. બીજી સેમિ ફાઈનલમાં માલદિવે 3-0થી નેપાળને પરાસ્ત કર્યુ હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલમાં પ્રથમ હાફમાં બન્નેમાંથી કોઇ ટીમ ગોલ ફટકારી શકી નહતી. જોકે બીજા હાફની શરૂઆતમાં જ મનવીરસિંઘના ગોલને સહારે ભારતને 1-0ની સરસાઈ મળી ગઇ હતી. આ પછી મનવીરે મેચની 69મી મિનિટે બીજો ગોલ ફટકારતાં ભારતની જીતને લગભગ નિશ્ર્ચિત કરી દીધી હતી.સુમિત પાસ્સીએ 84મી મિનિટે ફટકારેલા ગોલને સહારે ભારતની સરસાઈ 3-0 થઇ ગઇ હતી. આખરી બે મિનિટ બાકી હતી ત્યારે હસન બશીરે પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.