પોરબંદરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 900 ચોરસ ફૂટનું પેઈન્ટિંગ તૈયાર થશે

પોરબંદર,તા.13
પોરબંદરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 900 ચોરસ ફૂટનું પેઈન્ટીંગ બબલ પેપરમાંથી તૈયાર થશે, જેને ચોપાટી ઉપર લોકો નિહાળી શકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના શુભ જન્મદિને પોરબંદરમાં નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદી વિચારમંચ પોરબંદર જિલ્લા સમિતિ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અનુસંધાને જન્મદિનની પૂર્વ સંધ્યાએ 16 સપ્ટેમ્બર રવિવારે સાંજે પાંચ વાગ્યે ઓસીએનીક હોટેલના ગ્રાઉન્ડમાં, ચોપાટી ખાતે પ્લાસ્ટીક પેકેજીંગ બબલ પેપર પર માર્કર પેન દ્વારા નરેન્દ્ર મોદીનું 30 બાય 30 એમ 900 ચોરસ ફૂટનું પેઈન્ટીંગ મહાનુભાવોના વરદ હસ્તે પ્રદર્શિત કરવામાં આવશે. જેને વર્લ્ડ રેકોર્ડની 23 જેટલી કંપનીઓમાં નોમીનેશન કરવામાં આવેલ છે.
વેસ્ટમાંથી બેસ્ટ રીતે તૈયાર કરાયેલ આ પેઈન્ટીંગ પૂજ્ય ગો. વસંતકુમાર મહારાજશ્રી, પૂ. ગો. જયવલ્લભલાલજી મહોદયશ્રી, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મોરી, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભદ્રેચા, કારોબારી ચેરમેન સરજુભાઈ કારીયા સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જાહેર જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવશે. જે 16 સપ્ટેમ્બર રવિવારે સાંજે પાંચ વાગ્યાથી તા. 17 સપ્ટેમ્બર સોમવારે મોદીના જન્મદિનના દિવસે રાત્રે 9 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખૂલ્લું રહેશે. જે નિહાળવા સર્વે શહેરીજનોને આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. આ વર્લ્ડ રેકોર્ડના પ્રોજેક્ટ ડાયરેક્ટર જયેશ હીંગળાજીયા છે અને નરેન્દ્ર મોદી વિચારમંચના કિરીટભાઈ રાજપરા, સૂર શ્રી કલ્ચરલ ક્લબ પોરબંદરના ગિરીશભાઈ વ્યાસ, અશ્ર્વિનભાઈ ઠાકર, વિનોદભાઈ વડેરા, સુનિલભાઈ શુકલ, રમેશભાઈ વાંદરીયા, બાલકૃષ્ણભાઈ કક્કડ, પંકજભાઈ મોનાણી, સંજયભાઈ માળી, સંદીપભાઈ મદલાણી, વિશાલભાઈ જોષી, કમલેશ કોટેચા, મિતેષ કોટેચા, અશોક સોની, વિપુલ વ્યાસ, વિજયકુમાર ભટ્ટ, કમલ રાજપરા, પ્રેમજીભાઈ લોઢારી, પ્રકાશભાઈ ઉનડકડ અને અન્ય સભ્યો પ્રોગ્રામને સફળ બનાવવા સર્વે હોદ્દેદારો અને કારોબારી મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે. આર્થિક સહયોગ સૂરશ્રી કલ્ચરલ ક્લબ પોરબંદર દ્વારા આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમની સાથે તા. 17 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે પોરબંદર જી.આઈ.ડી.સી. માં આવેલ રસીકબાપા રોટલાવાળા સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓને ભોજન કરાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.