ઉદાત ભાવના સાથે ક્ષમાપર્વ મનાવતો જૈન સમાજSeptember 13, 2018

રાજકોટ તા.13
આજે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે સંવત્સરી પર્વ આજના દિવસે જૈનો પ્રતિક્રમણ કરી સમગ્ર વર્ષ દરમિયાન થયેલા પાપોની આલોચના કરે છે. પ્રતિક્રમણ કરી મન વચન કાયાના યોગથી ખમાવીને, મિચ્છામિ દુક્મડં કહી અંત:કરણ પૂર્વક માફી માગે છે.
આજે સ્થાનકવાસી સંઘ તથા મુર્તિપૂજક સંઘ બન્નેના સંત્વસરી પર્વ એક જ દિવસે હોવાથી બન્ને સંપ્રદાયના ધર્મસ્થાનકો આજે ‘તીસ્સ મિચ્છામિ દુક્કડં’ના નાદથી ગુંજશે. રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, વાંકાનેર, જેતપુર સહિત સૌરાષ્ટ્રભરમાં જૈનો આજે સંવત્સરી પર્વની ઉજવણી કરી રહ્યા છે.
પર્યુષણ પર્વ દરમિયાન નાની મોટી આરાધના કરેલ સર્વે તપસ્વીઓ આવતીકાલે પારણા કરશે તેમજ દેરાસર ઉપાશ્રયમાં સામુહિક ક્ષમાપનાના કાર્યક્રમો પણ યોજાશે.
સંવત્સરી પર્વનો મહિમા અનેરો હોય છે. સવારમાં વ્યાખ્યાન તેમજ આલોચના અને સાંજે પ્રતિક્રમણ કરી નાના મોટા સહુ એકબીજાને ખમાવવીને મિચ્છમિ દુક્કડં કરશે. એ સાથે જ પર્યુષણ પર્વ સંપન્ન થશે.
આજે અંતિમ દિવસ હોવાથી ઉપાશ્રયો તેમજ જિનાલયોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળતી હતી.
આજે સાંજે સવંતસરી પ્રતિક્રમણ કરીને લોકો મન, વચન,
કાયાથી જાણે-અજાણે થયેલા દોષોની માફી માંગશે.