100 રૂપિયે 1 ડોલરની સ્થિતિ સંભવ: નિષ્ણાતો

 જો આવું થશે તો પેટ્રોલ - ડીઝલના ભાવ 40% વધશે : લોનના હપ્તા મોંઘા થશે
 આગામી 6 માસમાં ગમે ત્યારે આવું બની શકે
નવીદિલ્હી તા,12
ડોલરની સરખામણીએ રૂપિયો અત્યારે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. મંગળવારે ડોલરની સામે રૂપિયો 72.73ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, જાણીતા ગ્લોબલ એક્સપર્ટે દાવો કર્યો છે કે, રૂપિયામાં હજુ પણ ઘટાડો આવશે અને તે 100 રૂપિયા પ્રતિ ડોલર સુધી જઈ શકે છે. તેમણે જણાવ્યું કે, આ કેટલા દિવસમાં થશે એ કહી શકાય એમ નથી,
પરંતુ આગામી છ મહિનામાં રૂપિયો સર્વોચ્ચ નીચી સપાટીએ પહોંચી જશે.
જો તેમની વાત સાચી સાબિત થઈ તો આગામી દિવસોની મુસિબતનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં જો કોઈ વધારો ન થાય તો પણ ભારતમાં તેનો ભાવ 40 ટકા વધી જશે. તમે જે લોન પર ઈએમઆઈ આપી રહ્યા છો તેમાં પણ ભારેખમ વધારો થઈ શકે છે. આ જ રીતે આયાત મોંઘી થવાને કારણે મોંઘવારી પણ કાબુ બહાર જઈ શકે છે.
આર્થિક અને નાણાકીય બાબતોનું પ્રકાશન ધ ગ્લૂમ, બૂમ એન્ડ ડૂમ રિપોર્ટના સંપાદક અને પ્રકાશક માર્ક ફેબરે બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે, ‘મારું માનવું છે કે ભારતીય રૂપિયાની કિંમતમાં ડોલરની સરખામણીએ ઘટાડો ચાલુ રહેશે. જોકે, એવું લાગે છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તેનું જરૂર કરતાં વધુ વેચાણ થયું છે અને ચાલુ વર્ષે તે ડોલરની સરખામણી 10 ટકા જેટલો ઘટ્યો છે. આ રૂપિયો ગગડતા-ગગડતા પ્રતિ ડોલર 100 રૂપિયા સુધી જતો રહેશે.’ હવે, આ ઘટાડો કેટલા દિવસમાં થશે તે હાલ કરી શકાય એમ નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં થવાની સંભાવના છે.
ડીબીએસ બેન્કનું અનુમાન છે કે, અત્યંત ટૂંકા સમયમાં જ રૂપિયો 75ના આંકડાને સ્પર્શી શકે છે. રૂપિયામાં જો આ જ રીતે ઘટાડો ચાલુ રહેશે તો ભારતની વ્યાપાર ખાધ વધી શકે છે. ગયા વર્ષના 11.45 અબજ ડોલરની સરખામણીએ ચાલુ વર્ષે જુલાઈમાં ભારતની વ્યાપાર ખાધ વધીને 18.02 અબજ ડોલર થઈ છે.