અમરેલી પાલિકાનાં મોટા બાકીદારો સામે આંખ મિચામણા: 9 કરોડનો વેરો બાકીSeptember 11, 2018

રેગ્યુલર વેરો ભરતા આસામીઓનો મરો:
વધુ વેરો નાંખવા પાલિકાની તૈયારી
અમરેલી, તા.11
અમરેલી નગરપાલીકા શહેરનાં મિલ્કત ધારકો પાસે બાકી રૂા.9 કરોડ જેવો વેરો વસુલવા વામણી પુરવાર થયેલ છે ત્યારે બાકી વેરો વસુલવાનાં બદલે રેગ્યુલર વેરો ભરતાં નગરજનો ઉપર વધારાનો વેરો ઠોકી બેસાડવા હાલના સતાધીશોએ કાર્યવાહી હાથ ધરતાં શહેરીજનોમાં વિરોધની લાગણી છવાયેલ છે.
અમરેલી નગરપાલીકાના સતાધીશો પ્રજાની પાયાની પ્રાથમીક જરૂરીયાતો પુરી પાડવામાં ઉણા ઉતરી રહેલ છે ત્યારે નગરજનો ઉપર કરવેરા ઘટાડવાના બદલે વધુ કરવેરા લાદવા ગત તા.7ના રોજ મળેલ સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવેલ. વેરા વધારા અંગે પ્રમુખ જયંતિભાઈ રાણાવાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે, કેટલો વધારો કરવો તે અંગે હજુ નિર્ણય કરેલ નથી પાણી વેરો, સફાઈ કર, સ્ટ્રીટ લાઈટ કર વધારવા માટે ઠરાવ થયેલ છે. પાલીકાના સતાધીશો દ્વારા હાથ ધરાયેલ વેરા વધારા અંગે નગરજનોએ જણાવેલ હતું કે પાલીકાના સતાધી વેરો વસુલવામાં પણ વ્હાલા દવલાની નિતી અપનાવે છે. રેગ્યુલર વેરા ભરનારને જ વધારો લાગુ પડશે જે શહેરીજનો વરસોથી વેરો ભરતા નથી તેની સામે સતાધીશો પગલા ભરવામાં લાજ કાઢે છે. આવા શહેરીજનોને ગમે તેટલો વેરો વધારો લાદવામાં આવે તો પણ તેઓને ફરક પડતો નથી કારણ કે તેઓને કોઈ દિવસ વેરો ભરવો જ નથી? કરોડો રૂપિયાનાં વેરા બાકી છે તો પાલીકા દ્વારા આવા શહેરીજનો સામે કયાં કારણોસર પગલા
ભરવામાં આવતા નથી?
પાલિકા દ્વારા વેરા વધારો કરવાના બદલે કરોડો રૂપિયાનો બાકી વેરો વસુલવો મહત્વનો હોય. રેગ્યુલર વેરો ભરતા નગરજનો ઉપર આવી અન્યાયી વૃતિ ઠોકી બેસાડવાના બદલે પાલીકા દ્વારા પ્રથમ વેરો નહી ભરનારા સામે પગલા ભરવા માંગણી ઉઠેલ છે. વેરા વધારા સાથે પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટની સુવિધા રેગ્યુલર પુરી પાડવાની દિશામાં પ્રથમ પગલા ભરી વેરા વધારો કરવો જોઈએ.