નીટની પરિક્ષા ઓનલાઇન નહીં અને વર્ષમાં એક જ વાર

  • નીટની પરિક્ષા ઓનલાઇન નહીં અને વર્ષમાં એક જ વાર

નવી દિલ્હી તા.22
માનવ સંસાધન મંત્રાલયે હવે નીટની મેડિકલ પરીક્ષા વર્ષમાં બે વખતને બદલે એક જ વખત અને ઑનલાઇનને બદલે ઑફ્ફ લાઇન મોડમાં લેવાનો નિર્ણય લીધો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે જાહેર કરેલી ચિંતા બાદ ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષમાં બે વખત પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓ પર વધારાનો તણાવ આવશે અને ફક્ત ઑનલાઇન લેવાથી ગ્રામીણ વિસ્તારો અથવા તો જ્યાં ઇન્ટરનેટની પર્યાપ્ત વ્યવસ્થા ન હોય એવા વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહી શકે.
ગયા મહિને માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે એવી જાહેરાત કરી હતી કે નવી બનાવાયેલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા મેડિકલ માટેની નેશનલ એલેજિબિલીટી કમ એન્ટ્રન્સ એક્ઝામ (નીટ) અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન-મેઇન હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે અને એ પરીક્ષા માત્ર ઑનલાઇન લેવાશે.
આ સિવાય એમણે એવી જાહેરાત પણ કરી હતી કે એનટીએ દ્વારા બધી પરીક્ષાઓ કમ્પ્યુટર પર જ લેવાશે. એચઆરડી મંત્રાલયે જાહેર કરેલી અંતિમ યાદી પ્રમાણે હવે નીટની પરીક્ષા પાંચમી મે, 2019ના દિવસે લેવામાં આવશે.