સ્વાઈન ફ્લૂથી કેવી રીતે બચવું? - આયુર્વેદિક ઉપાયો

  • સ્વાઈન ફ્લૂથી કેવી રીતે બચવું? - આયુર્વેદિક ઉપાયો
  • સ્વાઈન ફ્લૂથી કેવી રીતે બચવું? - આયુર્વેદિક ઉપાયો

પ્રત્યેકવર્ષે ચોમાસાની ઋતુ પૂરી થવા આવે ત્યારે સંક્રામક રોગો થવાની સંભાવના વધી જાય છે. એવો જ એક રોગ છે સ્વાઈનફ્લુ જેણે લોકોમાં માનસિક ભયનું નિર્માણ કર્યું છે. કોઈપણ રોગ થવાનું મૂળ કારણ વ્યક્તિની ઓછી રોગપ્રતિકારક શક્તિ માનવામાં આવે છે. કેટલાંક લોકોને આવાં સંક્રામક રોગોની બિલકુલ અસર નથી થતી. આયુર્વેદમાં ચરકસંહિતામાં વ્યાધિક્ષમત્વ રૂપે રોગપ્રતિકારક શક્તિનું વિશેષ વર્ણન જોવાં મળે છે. ચરકસંહિતાનાં ટીકાકાર શ્રીચક્રપાણિનાં જણાવ્યા મુજબ વ્યાધિ ઉત્પાદક પ્રતિબંધત્વ (રોગ ઉત્પન્ન જ ન થાય) તથા વ્યાધિબલ વિરોધીત્વ (રોગોની સામે લડવાનું બળ) એમ બે પ્રકારે વ્યાધિક્ષમત્વને સમજી શકાય. કોઈપણ વ્યક્તિમાં
આ બંને બલ યોગ્ય જળવાઇ રહે તે માટે આયુર્વેદિક પંચકર્મ દ્વારા શુદ્ધિકરણ, આહાર, વિહાર અને ધ્યાનયોગ અતિ
આવશ્યક છે.
આ ઋતુમાં સ્વાઈનફ્લુથી બચવા માટે આટલું જરૂર કરવું :
: પંચકર્મ દ્વારા શુદ્ધિકરણ :
ચોમાસામાં તહેવારોની ઉજવણીની સાથે સાથે અયોગ્ય તથા અનિયમિત આહાર, અપૂરતી ઊંઘ, મુસાફરી વગેરેને કારણે શરીર-મનમાં આવેલ અસંતુલનને ઠીક કરવા સ્વાઇનફ્લૂ કે અન્ય રોગચાળો ફેલાય એ પહેલાં જ પંચકર્મની સ્નેહન-સ્વેદન (માલિશ-સેક), બસ્તિ, વિરેચન, શિરોધારા, જેવી ટ્રીટમેન્ટસ્ કરાવી લેવી જોઇએ. જેથી શરીર-મનનું પ્રાકૃતિક રોગપ્રતિકારક બળ સારું રહે અને રોગોથી બચી શકાય.
: આહાર :
બળવર્ધક, અગ્નિવર્ધક તાજો, ગરમ, સુપાચ્ય, પૌષ્ટિક તત્વોયુક્ત ભોજન લેવું. લીલાં શાકભાજી, મોસમી ફળો, આખાં ધાન્ય, મગ, ધાણા, પરવળ, દૂધી, સરગવો, પાલક, લીંબુ, અજમો, મરી, લસણ, આદુ, ફુદીનો, મધ, હળદરનો ઉચિત પ્રકારે ઉપયોગ કરવો.
ચા-કોફી, કોલ્ડડ્રિન્કસ, કાર્બનયુક્ત કે આલ્કોહોલિક પીણાં, પાણીપુરી, પકોડી, પાંઉભાજી, પીઝા, બર્ગર, પેકડ નાસ્તા, આથાવાળી વસ્તુ-ઈડલી,ઢોસા,ઢોકળાં, બ્રેડ, બેકરી આઇટમ્સ,વગેરેથી બને એટલું દૂર જ રહેવું.
: લાઇફસ્ટાઇલ :
નિયમિત ચાલવું, હળવી કસરત કરવી. યોગાભ્યાસ કરવો. નિયમિત ધ્યાન કરવું. ધ્યાનના નિયમિત અભ્યાસથી મનુષ્યની આસપાસ સશક્ત આભામંડળ (અઞછઅ) બને છે જે વ્યક્તિને કોઈપણ રોગો સામે સુરક્ષા આપે છે.
: માનસિક સ્વાસ્થ્ય :
આયુર્વેદમાં સ્વાઇનફ્લૂ જેવાં રોગોને જનપદોધ્વંસ્ક (દેશનાં અધિકાંશ લોકોનું સ્વાસ્થ્ય નાશ કરી દે) રોગ કહેલ છે. આવાં રોગો થાય એવી નકારાત્મક ઊર્જા જ ન પેદા થાય તે માટે સામાજિક સદાચાર પાલન પર વિશેષ ભાર મૂક્યો છે. જેમકે, દયા, દાન, દેવપૂજન, મન-ઈન્દ્રિયવૃત્તિઓ (ખાવા-પીવામાં મન લલચાય) પર કાબૂ રાખવો, આત્મરક્ષણ માટે શિવ-કલ્યાણકારી દેવ, મહર્ષિ, ગુરુનું સ્થૂળ કે સૂક્ષ્મ સાન્નિધ્ય,ધર્મને જાણનાર સત્વગુણી વ્યક્તિ સાથે વાર્તાલાપ થતાં હોય ત્યાં આવાં રોગો ન થાય.
માનસિક શુભ ભાવોનું ચિંતન, મક્કમ મનોબળ કોઈપણ રોગોથી દૂર રાખે છે. યજ્ઞ યાગાદી દ્વારા વાતાવરણની શુદ્ધિ રાખવાથી સ્વાઇનફ્લૂ જેવાં રોગકારક જીવાણુઓ પ્રસરી નથી શકતાં.
: ધૂપ ચિકિત્સા :
પ્રત્યેક શહેરમાં સવાર-સાંજ ધૂપ કરવાથી પણ સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થઈ શકે છે. આયુર્વેદના અષ્ટાંગ હૃદય ગ્રંથમાં ભૂતઘ્ન ધૂપના પ્રમુખ દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય.
જેમકે, સરસવ, લીમડાનાં પાન-મૂળ, ગરણી, વજ, ભોજપત્ર અને ઘી નો ધૂપ કરવો.
કપાસિયા, મોરપીંછ, ભોરિંગણી, મીંઢોળ, તજ, જટામાંસી, વજ, હિંગ, મરી, વગેરેનો પણ ધૂપ માટે ઉપયોગ કરી શકાય.
સામાન્યત: ગુગળ, કપૂર, અજમો, વજ, ચંદન, લોબાન, વગેરેનો ધૂપ પણ સવાર-સાંજ ધૂપ કરી શકાય.
: નિત્ય ઔષધ સેવન :
ગળો, શતાવરી, તજ, લીમડો, લીંડીપીપર, લસણ, જેઠીમધ, અશ્વગંધા, આમળાં, ગંઠોડા, વગેરે રસાયન ઔષધોનું ઉચિત પ્રકારે નિત્ય સેવન કરવું જોઈએ.
કડુ-કરિયાતુંનો ઉકાળો સવાર-સાંજ લઈ શકાય.
અર્ધી ચમચી હળદર અને સુદર્શન ચૂર્ણ પણ લઈ શકાય.
આદુનો રસ, તુલસીનો રસ, હળદર અને મધ લેવું.
દરરોજ લીમડાનાં કુમળાં 5-7 પાન ચાવવાં.
ત્રિકટુ અથવા મરી, હળદર, મધનું સેવન કરવું.
: સ્વાઈન ફલ્યુ પ્રતિકારક સર્વજવરહર ઉકાળો :
ભોરિંગણી, કડુ, કરિયાતું, સૂંઠ, ગળો, પુષ્કરમૂળનો જાડો ભૂકો ચાર તોલા લઈ સોળ ગણાં પાણીમાં ઉકાળો કરી આઠમા ભાગનું બાકી રહે એટલે ઉતારી ગાળીને સેવન કરવું.
આ ઉપરાંત મહાલક્ષ્મીવિલાસ રસ, શ્વાસકુઠાર રસ, ત્રિભુવનકીર્તિ રસ, શૃંગ ભસ્મ, સ્વર્ણ વસંત માલતી, વગેરે ઔષધો વૈદ્યકીય સલાહ અને નિરીક્ષણ સાથે લઈ શકાય.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદિક, યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો.)