ભાવનગરમાં 18 દિવસનાં બાળકની ટાંકામાં ડુબાડી હત્યાથી હાહાકાર

  • ભાવનગરમાં 18 દિવસનાં બાળકની ટાંકામાં ડુબાડી હત્યાથી હાહાકાર

બાવા જેવા લાગતા બે શખ્સો બાળકનું અપહરણ કરી પાણીનાં ટાંકામાં મૃતદેહ ફેકી દીધાનો પરિવારનો આક્ષેપ: તપાસ શરૂ
ભાવનગર તા.9
ભાવનગરમાં માત્ર 18 દિવસનું બાળક ઘોડીયામાં સુતુ હતું ત્યારબાદ બાળકનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવતા આ બાળકને કોઇએ ઉઠાવી ટાંકામાં ફેકી હત્યા કરી હોવાનો પરીવારજનોએ આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં કબ્રસ્તાન સામે રહેતા દિનેશભાઇ પરમારનો માત્ર 18 દિવસનો બાળક પોતાના ઘરે ઘોડીયામાં સુતો હતો. બાદમાં બાળક ગુમ થઇ જતાં પરીવારજનોએ બે સાધુ-બાવા જેવા શખ્સો આવ્યા હતા તે બાળકનું અપહરણ કરી ગયાનો આક્ષેપ કર્યો હતો.
દરમ્યાન ગુમ થયેલ બાળક તેના ઘરનાં જ પાણી ભરેલા ટાકામાંથી મૃત હાલતમાં મળી આવતા પરીવારજનોએ આ બાળકને બાવા જેવા બે શખ્સોએ ઉઠાવી તેને જ પાણીનાં ટાંકામાં ફેંકી દઇ હત્યા કરી હોવાનું જણાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
દરમ્યાન પોલીસે આ વિસ્તારમાંથી બે બાવા જેવા શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. જો કે આ બનાવ અંગે પોલીસે કશુ જણાવતી નથી. જેના બનાવે ભારે ચકચારી જગાવી છે.
બનાવની જાણ થતા જ સીટી ડીવાયએસપી મનીષ ઠાકોર ડી ડીવીઝન પોલીસ, ડોગ સ્કવોડ એલસીબી પોલીસ કાફલો કુંભારવાડા બનાવ સ્થળે દોડી ગયો હતો.