કચ્છ રણોત્સવનું એડવાન્સ બુકિંગ શરૂ

  • કચ્છ રણોત્સવનું એડવાન્સ બુકિંગ શરૂ

 1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે રણોત્સવ: સરકારી તંત્રએ તારીખ જાહેર કરી
ભુજ તા,9
છેલ્લા એકાદ દાયકાથી કચ્છ રણોત્સવ થકી સરહદી કચ્છ જિલ્લો વૈશ્વિક ફલક પર વિસ્તર્યો છે તેવામાં રણોત્સવ ર018-19ની તારીખો જાહેર કરાઈ છે. આ વર્ષે 1લી નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ કરવામાં આવશે અને ર0મી ફેબ્રુઆરી સુધી ચાર મહિના રણોત્સવ ચાલશે.
કચ્છ રણોત્સવની તારીખો જાહેર થતાની સાથે જ રણોત્સવનું એડવાન્સ બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન
વિભાગ તેમજ રણોત્સવનું
આયોજન કરનાર ખાનગી એજન્સી દ્વારા બુકીંગ શરૂ કરાયું છે. આ વખતે રણોત્સવની તારીખો મોડી જાહેર થવાને કારણે આગોતરૂં બુકીંગ કરાવનાર પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.
જો કે, હવે તારીખો જાહેર થઈ છે ત્યારે તેઓ પોતાનું આયોજન ઘડી શકશે. આ વખતે 1લી નવેમ્બરથી ર0મી ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે. એટલે કે 11ર દિવસ સુધી પ્રવાસીઓ કચ્છના શ્વેત રણના દિદાર કરી શકશે.
આ વર્ષે પ્રવાસન વિભાગ અને ખાનગી એજન્સી દ્વારા રણોત્સવને લઈને વિવિધ પેકેજ તૈયાર કરાયા છે, જેમાં પ્રવાસીઓને સફેદ રણ, કાળો ડુંગર, માંડવી બીચ, માતાનામઢ, હાજીપીર, નારાયણ સરોવર કોટેશ્વર, લખપત સહિતના સ્થળોએ પરિભ્રમણ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રણોત્સવ તરફ જતા માર્ગ પર રૂદ્રમાતા નજીક હાલ જ રક્ષકવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે ત્યારે રણોત્સવની સાથે આ સ્થળ પણ પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.